રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના એક અહેવાલ મુજબ, લોકો ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધી રહ્યા હોવાથી દેશમાં એટીએમની સંખ્યામાં ઘટાડો થયો છે. બેંક શાખાઓ વધી રહી હોવા છતાં, ઈ-પેમેન્ટ નેટવર્ક્સે ગ્રાહકોની રોકડ ઉપાડની જરૂરિયાત ઘટાડી છે. અહેવાલ મુજબ, ખાનગી બેંકોએ તેમના એટીએમ નેટવર્કને 79,884થી ઘટાડીને 77,117 કર્યું, જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોએ તેમના એટીએમ નેટવર્કને 134,694થી ઘટાડીને 133,544 કર્યું છે મુખ્યત્વે ઓફસાઇટ મશીનો બંધ કરવામાં આવ્યા છે આનાથી વિપરીત, વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરો (નોન-બેંકિંગ એન્ટિટી દ્વારા સ્થાપિત)એ તેમની હાજરી 34,602થી વધારીને 36,216 કરી છે.
જાહેર ક્ષેત્રની બેંકો ગ્રામીણ, અર્ધ-શહેરી, શહેરી અને મહાનગરીય વિસ્તારોમાં તેમના એટીએમનું સંતુલિત વિતરણ ધરાવે છે. જોકે, ખાનગી અને વિદેશી બેંકો હજુ પણ તેમના એટીએમ મુખ્યત્વે શહેરી અને મહાનગરીય કેન્દ્રોમાં કેન્દ્રિત કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન, જાહેર ક્ષેત્રની બેંકોના ઝડપી વિસ્તરણને કારણે બેંક શાખાઓની સંખ્યા 2.8 ટકા વધીને લગભગ 164,000 થઈ ગઈ છે. જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા ખોલવામાં આવેલી નવી શાખાઓમાંથી બે તૃતીયાંશથી વધુ શાખાઓ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં હતી, જ્યારે ખાનગી બેંકો દ્વારા ખોલવામાં આવેલી નવી શાખાઓમાંથી ફક્ત 37.5 ટકા આ વિસ્તારોમાં હતી.
મૂળભૂત બચત બેંક થાપણોમાં વધારો ચાલુ રહ્યો છે. જે 2.6 ટકા વધીને 724 મિલિયન ખાતાઓ પર પહોંચી ગયો છે. આ ખાતાઓમાં થાપણો 9.5 ટકા વધીને રૂ.3.3 લાખ કરોડ થઈ છે. મોટાભાગના ખાતાઓ બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ દ્વારા સંચાલિત થાય છે, જે પાયાના સ્તરે બેંકિંગ ઍક્સેસને વિસ્તૃત કરવામાં તેમની ભૂમિકા પર ભાર મૂકે છે.
ડિપોઝિટ વીમા અંગે, રિપોર્ટમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2025ના અંત સુધીમાં 97.6 ટકા ખાતાઓ રૂ.પાંચ લાખની વર્તમાન વીમા મર્યાદા દ્વારા આવરી લેવામાં આવ્યા હતા. જોકે, વીમાકૃત થાપણોનું પ્રમાણ ગયા વર્ષના 43.1 ટકાથી થોડું ઘટીને 41.5 ટકા થયું. આરબીઆઈએ એટીએમની સંખ્યામાં ઘટાડો થવાનું કારણ ચુકવણીના વધતા ડિજિટાઇઝેશનને ગણાવ્યું હતું, જેના કારણે ગ્રાહકોને એટીએમ દ્વારા વ્યવહાર કરવાની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે.