રાજકોટ શહેરમાં ૨૦૧૫માં ભળેલા કોઠારીયા વિસ્તારમાં ૧૦ વર્ષ બાદ પણ નળ, ગટર, લાઇટ, સફાઇ, પાણી, ટીપર વાન સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ થઇ ના હોય આ મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વોર્ડ નં.૧૮ની ઓફિસે ધસી જઇને હલ્લાબોલ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.
વોર્ડ નં.૧૮માં કોઠારીયાના રણુજા મંદિર વિસ્તારમાં આવેલ રામ રણુજા નગર, પટેલ પાર્ક અને શિવધામ સહિતની સોસાયટીઓમાં રસ્તા, લાઇટ, સફાઇ, પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ ન હોય નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય આ મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોની આગેવાનીમાં ઉપરોક્ત સોસાયટીના રહીશો ગત સાંજે વોર્ડ ઓફિસે ટોળા સ્વરૂપે ધસી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી.
લતાવાસીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મુખ્ય પ્રશ્ન રસ્તાઓ અને સફાઈનો છે તેમજ સોસાયટી વચ્ચેથી એક વોકળો પસાર થાય છે જેના ઉપર સ્લેબ ક્લવર્ટ બનાવી આપવાની માંગણી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્ન નહીં ઉકેલાતા આજે ટોળા સ્વરૂપે વોર્ડ નં.૧૮ની ઓફિસે રજૂઆત કરાઇ છે ત્યારે હવે પ્રશ્ન ઉકેલાય તેવી આશા છે અને જો નહીં ઉકેલાય તો હવે આંદોલન કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.
વોર્ડ નં. ૧૮ના રણુજા મંદિર પાછળના ખુલ્લા વોંકળો,ગંદકીના પ્રશ્ને શિવલાલ બારસીયાના માર્ગદર્શન હેઠળ આપના યુવા અગ્રણી સુરજ બગડા અને વોર્ડ ઈન્ચાર્જ રાજેશ ડાંગરિયાની આગેવાનીમાં ત્યાંના રહીશોને સાથે રાખી વોર્ડ ઓફિસે વોંકળા પર પુલ બાંધવાની માંગ સાથે હલ્લાબોલ કરી રજૂઆત કરવામાં આવી છે, જો હજુ પણ પ્રશ્ન નહીં ઉકેલાય તો હવે આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરાશે.