રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭ના પોશ બજાર વિસ્તાર ડો. યાજ્ઞિક રોડ અને ન્યૂ જાગનાથ પ્લોટમાં છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી મહાપાલિકા સહિતની વિવિધ એજન્સીઓ દ્વાડા એક પછી એક ખોદકામ કરવામાં આવી રહ્યું હોય રસ્તાની હાલત માઠી થઇ ગઇ છે, દરમિયાન આજે યાજ્ઞિક રોડની સાઇડ ખોદી નાખતા વાહનોને રોડની સાઇડના બદલે વચોવચ ચાલવા ફરજ પડતી હોવાને કારણે એસટી બસ અને ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેના લીધે અડધો કલાક સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. જો હવે તાત્કાલિક અસરથી આ વિસ્તારમાં ખોદકામ બંધ કરવામાં નહીં આવે તો જીવલેણ અકસ્માત સર્જાવાની શક્યતા નકારી શકાતી નથી.
વિશેષમાં બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે યાજ્ઞિક રોડ ઉપર ડો.દસ્તુરના બંગલો પાસે એસટી બસ અને ટોઈંગ વાન વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, વાહન અકસ્માતનો અવાજ એવો મોટો હતો કે આજુબાજુના દુકાનદારો અને શોરૂમ ધારકો બહાર દોડી આવ્યા હતા. બપોરે એકાદ વાગ્યે શાળા કોલેજો છૂટવાના અને સમયે ટ્રાફિકના પિક અવર્સમાં અકસ્માત સર્જાતા લગભગ અડધો કલાક સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. અકસ્માત બાદ બન્ને વાહનો રોડની વચ્ચે જ જેમની તેમ ઉભા રાખવામાં આવ્યા હોય અને બન્નેના ડ્રાઈવર વચ્ચે ઉગ્ર વાતચીત ચાલુ હતી તે દરમિયાન રોડની બન્ને તરફથી આવતી સિટી બસો પણ ઉભી રાખવા ફરજ પડતા હીરા પન્ના કોમ્પ્લેક્સથી હોટેલ ઇમ્પિરિયલ પેલેસ સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો.
રાજકોટ મહાપાલિકા તંત્ર દ્વારા જામનગર રોડ ઉપર સાંઢીયા પુલના સ્થાને નવા ફોરલેન બ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ હોય તે અંતર્ગત અપાયેલા રોડ ડાયવર્ઝનને કારણે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી એસટી બસો યાજ્ઞિક રોડ ઉપર દોડી રહી છે આ રીતે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાવાનું કારણ પણ મહાપાલિકા તંત્ર જ છે.
જો હવે વ્હેલી તકે યાજ્ઞિક રોડ ઉપરનું ખોદકામ બંધ નહીં કરાય તો વધુને વધુ અકસ્માતો સર્જાતા રહેશે તેથી તાત્કાલિક અસરથી ખોદકામ પૂરીને ડામર રોડ બનાવાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.