જામનગર પંથકમાં છેલ્લા સપ્તાહ દરમિયાન દુષ્કર્મના ત્રણ બનાવો સામે આવ્યા છે તેમજ ધ્રોલમાં પોકસો હેઠળ ફરીયાદ દાખલ કરવામાં આવી છે, પોલીસ દ્વારા આ બનાવોમાં આરોપીઓની અટકાયત કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે, જયારે અન્ય એક બનાવમાં તપાસ રાજકોટ તરફ લંબાવવામાં આવી છે.
જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં મજુરી કામ કરવા આવેલા પરપ્રાંતીય પરિવાર થોડા મહિના પહેલા પોતાના વતનમાં ગયા હતા અને ૧૯ વર્ષની પુત્રી વાડીએ ઓરડીએ એકલી હતી, ત્યારે સુરેશ ઉર્ફે સોનુ રાઠવા નામના શખસે આવીને એકલતાનો લાભ લઇને યુવતિ પર દુષ્કર્મ આચર્યુ હતું, જે બાદ યુવતિને ગર્ભ રહી ગયો હોય દરમ્યાન મામલો પંચકોશી-એમાં પહોચ્યો હતો જેમાં ફરીયાદ આધારે પીઆઇ એન.એમ. શેખએ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
જયારે જામનગર શહેરમાં ગોકુલનગરમાં રહેતા ધરણાંત માલદેભાઇ આંબલીયા એક યુવતિ સામે મૈત્રિકરારથી રહેતો હતો અને બંને વચ્ચે થયેલા મતભેદ બાદ યુવતિએ પોલીસમાં મિત્ર ધરણાંત સામે દુષ્કર્મની ફરીયાદ સીટી-સી ડીવીઝનમાં નોંધાવતા પોલીસે ફરીયાદ અનુસંધાને ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
આ ઉપરાંત જાણવા મળ્યા મુજબ ધ્રોલ પંથકમાં રહેતી એક સગીરાને લગ્નની લાલચ આપીને રાજકોટનો મહોમદ સાહીલ અબ્દુલ ખફી નામનો શખસ અપહરણ કરી ગયો હતો એ પછી પોલીસે ફરીયાદ અનુસંધાને તપાસ હાથ ધરી છે અને પોકસો હેઠળ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે જયારે આરોપીની શોધખોળ માટે ટીમ રાજકોટ તરફ દોડાવી છે.