BREAKING NEWS

ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરીના નામે તબીબ સાથે થયેલા રૂ.૫૦.૭૫ લાખના ફ્રોડમાં આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

  • February 04, 2026 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોયલ એડીલેડ હોસ્પિટલ ઓસ્ટ્રલિયાના કર્મચારી તરીકે ઓળખ આપી હોસ્પિટલમાં નોકરી અપાવાની લાલચે તબીબી સાથે રૂ.૫૦.૭૫ લાખનુ ફ્રોડ કરાયું હતું. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી આ છેતરપિંડીમાં એક આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લીધો હતો. ઝડપાયેલા આ શખસને ફ્રોડના નાણા પૈકી રૂ.૧.૫૦ લાખ મળ્યા હોવાનું માલુમ પડયું છે. પોલીસે આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, અટલ સરોવરની સામે સનરાઇઝ પાર્કમાં રહેતા તબીબ ચિન્મય પ્રકાશભાઇ ત્રિવેદી(ઉ.વ.૨૬) દ્વારા ગત તા.૩૦/૧૨/૨૦૨૫ ના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ પૂર્વયોજીત કારતરૂ ઘડી રોયલ એડીલેડ હોસ્પિટલ ઓસ્ટ્રેલિયાના કર્મચારી તથા વિઝા એજન્ટના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી ઓસ્ટ્રેલિયાના વિઝા પેટે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 50.75 લાખ ભરાવડાવી નોકરી કે વિઝા ન આપી છેતરપિંડી કરી હતી. જે અંગે ડોક્ટર દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


છેતરપિંડીના આ બનાવને લઈ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ જે.એમ કૈલા, એસ.ડી.ગીલવાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમે ટેકનીકલ એનાલીસીસ તથા સાયબર લેબની મદદથી તપાસ હાથ ધરી સાયબર ફ્રોડના આ બનાવમાં એક આરોપી મધ્યપ્રદેશ હોવાનું માલુમ પડતાં સાયબર ક્રાઇમની ટીમે મધ્યપ્રદેશ પહોંચી આરોપી વિવેક કુસવાહ કલ્લુ કુસવાહ (ઉ.વ. 20 રહે. મહાલ ગામ ગ્વાલિયર, મધ્યપ્રદેશ) ને ઝડપી લીધો હતો.


પોલીસે જણાવ્યું હતું કે, તીબીબ સાથેના સાયબર ફ્રોડના આ આ ગુનામાં ઝડપાયેલ આરોપી વિવેક કુસવાહ ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે. સાયબર ફ્રોડ મારફત તબીબે ગુમાવેલી રકમમાંથી રૂપિયા 1.50 લાખ હાલના આરોપીને મળ્યા હતાં. આ કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.ડી.ગીલવાની રાહબરી હેઠળ એએસઆઇ જે.એમ.બોસીયા, ક્રુપાલસિંહ ઝાલા, હેડ કોન્સ. વિજયસિંહ જાડેજા, કોન્સ. સાગરભાઇ સાગઠીયા, હરેશભાઇ સાવલીયા અને કિશોરભાઇ રંગાણી સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application