BREAKING NEWS

જસદણ નિર્ભયાકાંડઃ બાળકીને સળીયો ખોસીને દુષ્કર્મના કેસમાં 34માં દિવસે આરોપી દોષિત જાહેર, 15મીએ સજા સંભળાવાશે

  • January 12, 2026 06:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશન હેઠળના કાનપર ગામની સીમમાં ખેતરમાં રમી રહેલી સગીરાને ઉપાડી જઈ બદકામના ઇરાદે બાજુના ખેતરમાં લઈ જઈ બદ ગુપ્ત ભાગમાં સળીયો ભરાવી તે ગંભીર ઇજા પહોંચાડવાના હેવાનિયત ભર્યા ગુનામાં સ્પેશિયલ કોર્ટે ફાસ્ટ ટ્રેક કેસ ચલાવી ચાર્જશીટના માત્ર 33 દિવસમાં જ આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવા (ઉ.વ. ૩૦) સામેની સુનાવણી પૂરી થઈ ગઈ હોય આજે તેને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટ 15મીએ સજા સંભળાવશે.

આ અતિ ચકચારી કેસની હકીકત મુજબ જસદણ તાલુકાના કાનપર ગામે વાડીમાં દાહોદ પંથકનો શ્રમિક પરિવાર ખેતર ભાગીયે રાખી ખેત મજૂરી કરતો હોઇ, ગત તા.04-12- 2025ના રોજ શ્રમિક પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો. ત્યારે વાડીમાં જ રમી રહેલી પરિવારની છ વર્ષ આઠ માસની બાળકીનું હવસખોર શખસે અપહરણ કરી જઇ હેવાનિયતથી અમાનુષી અને ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદમાં હવસખોરે ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાવી દઇ બાળકી લોહીલુહાણ કરી નાસી ગયો હતો. 


દરમિયાન પરિવારજનોની શોધખોળ દરમિયાન બાળકી નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવતા બાળકીને સારવાર અર્થે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ આટકોટ પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જેની તપાસમાં બાળકીની માહિતીના આધારે અમાનુષી અત્યાચાર ગુજારનાર શખ્સ મૂળ મધ્યપ્રદેશના રેમસિંગ તેરસીંગ ડુડરની કાનપરની સીમમાંથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં નરાધમે કબૂલાત આપી હતી કે, પોતે પીડિત બાળકીનો પરિવાર જે વાડીમાં મજૂરી કરે છે તેની બાજુની વાડીમાં જ પોતે પણ મજૂરી કરે છે. અહીંથી નીકળતા માસુમ બાળકી ખેતરમાં જ રમી રહી હતી. 


જેથી નરાધમની દાનત બગડી હતી. બાળકીને ઉઠાવી નજીકમાં જ પાણીની ટાંકી પાસે લઇ ગયો હતો અને દુષ્કર્મ ગુજારવાની કોશિશ કરી હતી. તેમાં નિષ્ફળ જતાં ઉશ્કેરાયેલા શખ્સે બાજુમાં જ પડેલ લોખંડનો એક ફૂટનો સળીયો બાળકીના ગુપ્તાંગમાં ઘુસાવી લોહીલુહાણ કરી ત્યાં જ બાળકીને મૂકી નાસી ગયો હતો. બાદ તપાસનીશ દ્વારા ખુબ ટૂંકા સમયગાળામાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈને કોર્ટે કેસ રોજબરોજ ચલાવવાનો હુકમ કરી ૬-દિવસમાં પુરાવો નોંધવાનુ કાર્ય પૂર્ણ કર્યું હતું.


આ કેસની સુનાવણીમાં આરોપી તરફે દલીલ કરવામાં આવી હતી કે કાનપર ગામે સરકારી ડોકટરે ગુપ્ત ભાગેથી નીકળતું લોહી બંધ થઈ ગયેલ હોવાનું જણાવેલ છે. તેના જવાબમાં સરકાર તરફે જણાવાયું કે ગંભીર ઈજાના કારણે કાનપરથી જસદણ હોસ્પિટલ અને જસદણ હોસ્પિટલથી રાજકોટ જનાના હોસ્પિટલ માટે લાવવામાં આવતી વખતે ફરીથી ભોગ બનનારને ફરીથી રકતસ્ત્રાવ ચાલુ થઈ શકે. કાનપરના ડોકટરની મામુલી નોંધના કારણે પ્રોસિકયુશનનો કેસ નબળો થતો નથી. આરોપીને શંકાના આધારે પકડેલ હતો. જેના જવાબમાં સરકાર તરફે ફોજદારી ગુનામાં આરોપીને શંકાના આધારે જ પકડવામાં આવતો હોય છે. 


પ્રોસિકયુશન માટે જરૂરી એ છે કે, પોલીસ તપાસ પુર્ણ થાય ત્યારે તપાસનીશ અમલદાર પુરતા પુરાવા મેળવી શકે છે કે કેમ? આ કેસમાં તપાસનીશ અમલદારની આરોપી ઉપરની શંકા સંપુર્ણ વ્યાજબી ઠેરવવા માટે મેડીકલ, મૌખિક અને ઈલેકટ્રોનિક ત્રણેય પ્રકારના પુરાવા મળી આવેલ છે. ભોગ બનનાર બાળકી અને બાળ સાહેદની નાની ઉંમર હોવા છતા પણ આરોપી અને લોખંડનો સળીયો સાંકેતિક રીતે ઓળખી આપેલ છે. ઓળખ પરેડ કોર્ટ સંકુલમાં વનરેબલ સેન્ટરમાં થયેલ છે. 


આરોપી વિરૂધ્ધ પક્ષપાતી રીતે તપાસ કરી ખોટું ચાર્જશીટ કરવામાં આવેલ છે. જવાબમાં સરકાર તરફે જણાવવામાં આવેલ હતું કે, આ ગુન્હામાં આરોપી તરફે કાનપર ગામમાં હાજર નહી હોવાનો એકમાત્ર બચાવ હોય શકે. રિલાયન્સ જીયોના સી.ડી.આર. રિપોર્ટમાં મોબાઈલ ફોનનું લોકેશન બનાવવાળા વિસ્તારનું જ જણાય છે. તેથી પ્રોસિકયુશનનો આરોપી વિરૂધ્ધનો કેસ પુરવાર થાય છે. આ મતલબની દલીલો કરીને જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા દ્વારા આરોપીને સખતમાં સખત સજા કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતો દલીલો ધ્યાને લઇ અદાલત દ્વારા આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવા સામેનો આ કેસ પૂરો કરવામાં આવ્યો હતો, તેમાં સ્પેશિયલ કોર્ટ જજ વી.એ. રાણા ગમે ત્યારે ચુકાદો જાહેર કરશે તેમ મનાય છે.


આ કેસમાં જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા અને મદદગારીમાં એ.પી.પી. પ્રશાંતભાઈ પટેલ રોકાયા હતા.


ગઇ તા. ૪/ ૧૨/ ૨૦૨૬ના રોજ નરાધમે અચરેલા અત્યંત ધૃણાજનક કૃત્ય બદલ ભોગ બનનાર બાળકીના પિતાએ અદાલતમાં વિસ્તૃત પત્ર લખી બાળકીની આ હાલત કરનાર આરોપી સામે તાત્કાલીક કેસ ચલાવી સખ્ત સજાની માંગ કરી હતી. જે મુજબ અદાલત દ્વારા રોજબરોજ ખૂબ ઝડપી કેસ ચલાવી 33 દિવસમાં આ ચુકાદો આપ્યો છે.


નરાધમે હુમલો કરી ભાગવા માંડતા પોલીસે ફાયરિંગ કરવું પડ્યું

સાત વર્ષની બાળ ઉપર હેવાનિયત આચરવાના ગુનામાં બાળકીને ખોસી દીધેલો સળિયો કબજે કરવા એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટાફ આરોપીને જૂના પીપળીયાની સીમમાં લઈ જવામાં આવ્યો હતો. પંચનામું પૂરૂ થયા બાદ આરોપી રેમશિંગ ઉર્ફે રામસિંગ તેરસીંગ ડુડવા (ઉ.વ. ૩૧)એ નાસી છૂટવા માટે ત્યાં પડેલા ધારીયા વડે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ બાવળીયા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં હેડ કોન્સ્ટેબલને છાતીના ભાગે તથા હાથના ભાગે ઈજા પહોંચી હતી. દરમિયાન એલસીબીના પીએસઆઇ એચ.સી. ગોહિલ અને એસઓજીના પી.એસ.આઇ કે.એમ. ચાવડાએ બે રાઉન્ડ ફાયરિંગ કરતા બંને ગોળી આરોપીના પગમાં વાગી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application