એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ત્રિકોણબાગ ચોક પાસેથી ચોરાઉ કે.ટી.એમ બાઈક સાથે પીપળીયા ગામે રહેતા શખસને ઝડપી લીધો હતો. જેની પૂછતાછ કરતા તેની સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયો હોય જેથી ભાગવા માટે મહિલા કોલેજ અંડર બ્રિજ પાસેથી આ બાઈક ચોરી કરવા જતા તે સમયે બાઇક ચાલુ ન થતા તેણે તેના મિત્ર ને બોલાવ્યો હોય જેથી મિત્ર અહીં બાઈક લઈને આવ્યો હતો અને બાદમાં બંને મળી આ બાઈકની ચોરી કરી હતી. પોલીસે તેના મિત્રને પણ ઝડપી લઇ કેટીએમ અને તેના મિત્રનું બાઈક કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અપાયેલ સૂચનાના પગલે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બી.વી. બોરીસાગરની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કનુભાઈ બસીયા, સાગરભાઇ માવદીયા, કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ખાંડેખાને મળેલી બાતમીના આધારે ત્રિકોણ બાગ પાસે સુલભ સૌચાલય નજીક એક શખસને શંકાસ્પદ કે.ટી.એમ. બાઇક સાથે ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી બાઈકના કાગળો માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. બાદમાં પોલીસે આ શખસની અટક કરી હતી.
આ શખસની પૂછતાછ કરતા તેનું નામ સંજય ચતુરભાઈ સોલંકી (ઉ.વ. 23 રહે. પીપળીયા ગામ ચોરાની બાજુમાં, નાકરાવાડી ગામથી આગળ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં બાઈક બાબતે સઘન પૂછતાછ કરતા તેણે કબુલાત આપી હતી કે, આશરે દશેક દિવસ પહેલા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેની સામે મારામારી અંગેનો ગુનો નોંધાયો હોય બાદમાં પોલીસથી બચવા માટે તે નાસી જવાની ફિરાકમાં મહિલા કોલેજ પાસે એલઆઇસી ઓફિસ નજીક આ કેટીએમ બાઈક પડ્યું હોય તે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાઈક ચાલુ ન થતા તેણે તેના મિત્ર કાનો વિનુભાઈ મકવાણા (ઉ.વ. 22 રહે. પીપળીયા) ને બોલાવ્યો હતો. બાદમાં બંને મળી બાઇકની ચોરી કરી હતી. આરોપી આપેલી આ કબૂલાત બાદ પોલીસે આરોપીના મિત્ર કાનો મકવાણાને પણ ઝડપી લીધો હતો. પોલીસે કેટીએમ બાઈક અને અન્ય આરોપીનું બાઈક સહિત કુલ રૂપિયા 90,000 ની કિંમતના બંને બાઇક કબજે કર્યા હતા.
આરોપી સંજય સામે અગાઉ પ્ર.નગર, કુવાડવા રોડ, ભક્તિનગર, માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ચોરી, જાહેરનામા ભંગ સહિતના ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે. આ કામગીરીમાં એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ બી.વી. ગોહિલ, એમ.એસ. મકવાણા, હેડ કોન્સ્ટેબલ કનુભાઈ બસિયા, સાગરભાઇ માવદીયા, કરણભાઈ વીરસોડિયા, મહેશભાઈ ચાવડા, કલ્પેશભાઈ બોરીચા, ધારાભાઈ વનારીયા અને કોન્સ્ટેબલ ધર્મેશભાઈ તથા તેજસભાઈ સાથે રહ્યા હતા.