રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં છેલ્લા અને નવમાં આરોપીને ગ્રામ્ય એલસીબીની ટીમે જૂનાગઢથી ઝડપી લીધો હતો, અમીત ખૂંટને ફસાવવા યુવતીની વ્યવસ્થા કરનાર રહીમ મકરાણી ગુનો નોંધાયા બાદ પંજાબ અને ત્યાંથી ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં આશરો લીધો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કબુલાત આપી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ભાગતા ફરતા આરોપીઓ ઝડપી પાડવા કરેલ આદેશના પગલે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઈ આર.વી.ભીમાણી અને એચ.સી.ગોહીલ અલગ અલગ ટીમો સાથે પેટ્રોલીંગમા નીકળ્યા હતા.
તે દરમ્યાન કોન્સ્ટેબલ ભરતભાઇ ગમારાને હકીકત મળી હતી કે ગોંડલ તાલુકાના રીબડા ગામના ચકચારી 'અમીત ખુંટ આપઘાત' કેસમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં છેલ્લા આઠ માસથી નાસતા ફરતા તેમજ ગોંડલ કોર્ટ દ્વારા બીએનએસ એકટ ૭૨ મુજબ ફરારી જાહેર કરેલ આરોપી રહીમ અબ્દુલ મકરાણી હાલ જુનાગઢ ખાતે તેના ઘરે છે જેના આધારે એલસીબી ટીમે રહીમ અબ્દુલ મકરાણી રહે-દોલતપરા, જુનાગઢને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઝડપાયેલ આરોપી રહીમ મકરાણી જુનાગઢથી પંજાબ નાસી છૂટ્યો હતો, ત્યાં થોડો સમય રોકાયા બાદ તે ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં નાસતો ફરતો રહેતો હતો. જે દરમિયાન ગઈકાલે જ તે જુનાગઢ પોતાના ઘરે આવતા જ એલસીબી ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે તે દબોચાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આ ચકચારી પ્રકરણમાં કુલ ૮ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.
આ અંગેની કામગીરીમાં પીઆઇ વીવી ઓડેદરા પીએસઆઇ એચસી ગોહિલ આરવી ભીમાણી, બાલકૃષ્ણ ત્રિવેદી,અનિલ બડકો દિયા, ભાવેશ ચાવડા,મનીષ વરુ, ધર્મેશ ચાવડા, રમણીક મણવર, ભરત ગમારા, મનદીપસિંહ જાડેજા શક્તિસિંહ ઝાલા ડ્રાઇવર અબ્દુલભાઈ શેખ જોડાયા હતા.
ચકચારી આપઘાત કેસમાં સંડોવાયેલા આરોપીઓ
અમિત ખુટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી તરીકે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા, અતાઉલ્લાખાન, વકીલ સંજય પંડિત, દિનેશ પાતર, રહીમ મકરાણી અને એક યુવતી સહિતના કુલ નવ જેટલા શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.