માત્ર ખાલી પેટના શુગર લેવલ પર જ નહીં, પરંતુ ભોજન પછી વધતી શુગર પર ધ્યાન આપવું પણ સ્વાસ્થ્ય માટે એટલું જ અનિવાર્ય છ .આહારમાં ફાઇબર, આખા અનાજનો સમાવેશ અને ૩૦ મિનિટની હળવી કસરત આપશે ડાયાબિટીસ સામે મજબૂત રક્ષણ
વર્તમાન સમયમાં ડાયાબિટીસ (મધુપ્રમેહ) એક એવી વૈશ્વિક સમસ્યા બની ગઈ છે, જેમાં વ્યક્તિની દૈનિક આહાર શૈલી અને લાઈફસ્ટાઈલ સૌથી મહત્વનો ભાગ ભજવે છે.
સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓ માત્ર સવારે ખાલી પેટના (ફાસ્ટિંગ) શુગર લેવલની જ તપાસ કરતા હોય છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતોના મતે જમ્યા પછી (પોસ્ટ-મીલ) લોહીમાં અચાનક વધતું ગ્લુકોઝનું સ્તર પણ શરીરના અંગોને એટલું જ નુકસાન પહોંચાડી શકે છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો રોજિંદા જીવનની કેટલીક મૂળભૂત આદતો અને ખોરાકમાં યોગ્ય સુધારો કરવામાં આવે, તો ફાસ્ટિંગ અને જમ્યા પછીના બંને શુગર લેવલને સરળતાથી કાબૂમાં રાખી શકાય છે. આ માટે નીચે મુજબની બાબતો અત્યંત અસરકારક સાબિત થાય છે
ફાઇબર અને આખા અનાજ (હોલ ગ્રેઇન્સ) નો આશ્રય
લોહીમાં શુગરના સ્તરને એકાએક વધતું અટકાવવા માટે ભોજનમાં ફાઇબરયુક્ત પદાર્થો વધારવા જોઈએ. રાજમા, ચણા, સફરજન અને જામફળ જેવા ફળો પાચનની પ્રક્રિયાને ધીમી કરે છે, જેથી ગ્લુકોઝ ધીમે-ધીમે લોહીમાં ભળે છે. આ ઉપરાંત, આહારમાં મેંદા કે સફેદ ચોખાને બદલે ઓટ્સ, બ્રાઉન રાઈસ, જવ અને ક્વિનોઆ જેવા આખા અનાજનો સમાવેશ કરવો જોઈએ. તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને શુગરને સંતુલિત કરે છે.
રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ અને ગળ્યા પદાર્થોથી અંતર
જો તમારું બ્લડ શુગર સતત ઊંચું રહેતું હોય, તો સફેદ ચોખા, મેંદો, સફેદ બ્રેડ જેવા હાઈ-કાર્બ્સ ખોરાકનું સેવન તુરંત ઘટાડવું જોઈએ, કારણ કે તે શરીરમાં જતાની સાથે જ સીધા ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે. આ સાથે સોફ્ટ ડ્રિંક્સ, પેકેજ્ડ જ્યુસ, મીઠાઈઓ અને વધુ પડતી ખાંડવાળી વસ્તુઓ લેવાનું ટાળવું જોઈએ. આ વસ્તુઓ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ (પ્રતિકાર) નું જોખમ વધારે છે.
શારીરિક સક્રિયતા અને નિયમિત વર્કઆઉટ
બ્લડ શુગર મેનેજમેન્ટ માટે માત્ર ડાયેટિંગ પૂરતું નથી, પરંતુ તેની સાથે શારીરિક શ્રમ પણ એટલો જ જરૂરી છે. અઠવાડિયાના મોટાભાગના દિવસોમાં રોજિંદી ઓછામાં ઓછી ૩૦ મિનિટ ઝડપથી ચાલવું (બ્રિસ્ક વોકિંગ) અથવા કોઈ પણ હળવી કસરત કરવાનો લક્ષ્ય રાખવો જોઈએ. નિયમિત વ્યાયામથી શરીરના કોષો ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકે છે અને શુગર લેવલ કુદરતી રીતે જ જળવાઈ રહે છે.આ સામાન્ય આદતોને શિસ્તબદ્ધ રીતે જીવનમાં વણી લેવાથી ડાયાબિટીસના દર્દીઓ પણ બીમારીના જોખમોથી મુક્ત રહીને એક તંદુરસ્ત અને લાંબુ આયુષ્ય જીવી શકે છે.