BREAKING NEWS

એડવોકેટ બર્ગિસ દેસાઈને રાષ્ટ્રીય લઘુમતી આયોગના સભ્ય તરીકે નિયુક્ત કરાયા

  • March 07, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય લઘુમતી આયોગ (નેશનલ કમિશનર ફોર માયનોરિટી)ના સભ્યોની નિમણૂક અંગે શુક્રવારે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લઘુમતી કાર્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આ નોટિફિકેશન મુજબ, આયોગમાં બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. ભારતના રાજપત્રમાં પ્રકાશિત માહિતી અનુસાર, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય લઘુમતી આયોગ અધિનિયમ, 1992ની કલમ 4ની પેટા-કલમ (1) અને (2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો છે. આ નિમણૂકો નવી દિલ્હી ખાતે 6 માર્ચ, 2026ના રોજ જાહેર કરવામાં આવી છે.


કોની કરવામાં આવી છે નિમણૂક?

સરકાર દ્વારા આયોગના સભ્ય તરીકે બે મહાનુભાવોને નામાંકિત કરવામાં આવ્યા છે. જેમાં બર્ગિસ દેસાઈને રાષ્ટ્રીય લઘુમતી આયોગના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ એસ. મુનાવરી બેગમને પણ આયોગના સભ્ય તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.


કાર્યકાળ અને શરતો

જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ બંને સભ્યો જે તારીખથી પોતાનો કાર્યભાર સંભાળશે તે તારીખથી ત્રણ વર્ષના સમયગાળા માટે આ પદ પર રહેશે. આ નિમણૂક લઘુમતી સમુદાયોના હિતોનું રક્ષણ કરવા અને આયોગની કામગીરીને વધુ વેગ આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે.


વહીવટી પ્રક્રિયા

આ જાહેરનામું (S.O. 1194(E)) લઘુમતી કાર્ય મંત્રાલયના સંયુક્ત સચિવ શ્યામા પ્રસાદ રોયના હસ્તાક્ષર સાથે બહાર પાડવામાં આવ્યું છે. ગેઝેટમાં આ માહિતી હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં અધિકૃત રીતે પ્રકાશિત કરવામાં આવી છે. રાષ્ટ્રીય લઘુમતી આયોગ દેશમાં લઘુમતીઓના અધિકારો અને કલ્યાણ માટે કાર્ય કરતી એક બંધારણીય સંસ્થા છે. નવી નિમણૂકો બાદ હવે આયોગમાં વિવિધ સમુદાયોનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application