જંગલેશ્વરમાંથી ધુરંધર રેલી બાદ ક્લેક્ટર કચેરીમાં હિંયરિંગ; ત્રણ દિવસની મહેતલ
જંગલેશ્વરમાંથી ધુરંધર રેલી બાદ ક્લેક્ટર કચેરીમાં હિંયરિંગ; ત્રણ દિવસની મહેતલ
December 29, 2025 10:37 AM
રાજકોટની આજી નદી કાંઠે કોઠારીયા રોડ ઉપર આવેલા જંગલેશ્વર વિસ્તારના ૧૩૫૦ જેટલા દબાણરૂપ મકાનોનું મેગા ડિમોલિશન કરતા પૂર્વે રાજકોટ કલેક્ટરેટ હેઠળ પૂર્વ ઝોન મામલતદાર કચેરી દ્વારા નોટિસનો બજવણી કરી રહીશોને દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું જેની આજે અંતિમ તારીખ હોય જૂની કલેક્ટર કચેરી સ્થિત પૂર્વ ઝોન મામલતદાર કચેરી ખાતે નોટિસ ધારકો તેમના મકાનના દસ્તાવેજો તેમજ અન્ય કાગળો આધાર પુરાવા વિગેરે સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરમિયાન માનવીય અભિગમ દાખવી દસ્તાવેજો રજૂ કરવા વધુ ૭૨ કલાકની મહેતલ અપાઈ હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જંગલેશ્વરમાંથી ધુરંધર રેલી નીકળ્યા બાદ આજે જૂની ક્લેક્ટર કચેરીમાં હિંયરિંગ હતું તેમાં અનેક નોટિસધારકો ઉમટ્યા હતા પરંતુ અનેક નોટિસધારકોએ દસ્તાવેજો રજૂ કરવા વધુ સમય માંગતા ત્રણ દિવસની મહેતલ આપવામાં આવી હતી. જંગલેશ્વરમાંથી ગત શુક્રવારે નીકળેલી રેલી વેળાએ અમુક રહીશોએ આ મામલે ટૂંક સમયમાં રાજકોટ આવી રહેલા પીએમને આ મામલે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.