કોઠારીયાના મહાદેવ મંદિરમાં આરતી પુરી કરી ઉભા થતાં જ પૂજારી ઢળી પડ્યા: મૃત્યુ
કોઠારીયાના મહાદેવ મંદિરમાં આરતી પુરી કરી ઉભા થતાં જ પૂજારી ઢળી પડ્યા: મૃત્યુ
November 03, 2025 11:47 AM
માનવીનું મૃત્યુ ક્યારેને ક્યાં આવે છે એ હંમેશા કુદરતએ નક્કી કરેલું હોય છે, રાજકોટના કોઠારીયામાં આજે વહેલી સવારે મહાદેવની પૂજા કરતી વખતે પૂજારી અચાનક ઢળી પડતા બેભાન હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું. સવારે મંદિરમાં સેવા પૂજા કરતા હતા ત્યારે હૃદયરોગનો હુમલો પ્રાણઘાતક નીવડ્યો હતો. બનાવના પગલે પરિવારમાં ગમગીની છવાઈ છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ ગોંડલના વાસાવડના વતની અને હાલ રાજકોટના કોઠારીયામાં મધવપાર્કમાં રહેતા રસિકગીરી નારદગીરી ગોસાઈ (ઉ.વ.40)ના આજે વહેલી સવારે નિત્યક્રમ મુજબ ઘર પાસે આવેલા બિલેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવની પૂજા કરતા હતા ત્યારે એકાએક ચક્કર આવતા ઢળી પડતા હાજર અન્ય લોકો દોડી ગયા હતા અને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. મૃતક રસિકગીરી ત્રણ ભાઈ એક બહેનમાં બીજા નંબરે હતા. સંતાનમાં એક દીકરો દીકરી છે. તેઓ દશેક વર્ષથી મંદિરની સેવા પૂજા કરતા હતા. આજે સવારે જળ ચડાવી આરતી કરીને ઉભા થતા જ હદયરોગનો હુમલો આવી જતા ઢળી પડતા બેભાન હાલતમાં જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસે જરૂરી કાગળો કર્યા હતા.