ઉપલેટા પંથકની 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી નરાધમે બે વાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને રાત્રે ભગાડી વાડલા ગામની સીમમાં લઇ જઈ બદકામ કરી આરોપી ઘરે પરત મૂકી ગયો હતો. બનાવ અંગે ઉપલેટા પોલીસે ગુનો આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
સવારે આશરે 5:30 વાગ્યે સગીરા પરત ઘરે આવી
પ્રાપ્ત વિગતો મુજબ, ઉપલેટા પંથકમાં રહેતી 17 વર્ષીય સગીરાના પિતાએ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચિરાગ હરદાસભાઈ ચાવડાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.4-01-2026 ના રાત્રીના આશરે 10:30 વાગ્યે તેમની પુત્રી ઘરે મળી આવી ન હતી. જેથી પરિજનોએ પાડોશમાં તેમજ સગા સંબંધીઓના ઘરે તપાસ કરાવી હતી પણ પુત્રીનો કોઈ પતો લાગ્યો ન હતો. દરમિયાન 05-01-2026 ની સવારે આશરે 5:30 વાગ્યે સગીરા પરત ઘરે આવી ગઈ હતી.
ચિરાગે લગ્નની લાલચ આપી હતી
પરિજનોએ પુત્રીની પૂછપરછ આપતાં તેણીએ જણાવ્યું હતું કે, આઠ માસ પૂર્વે ખાખીજાળિયા ગામે યોજાયેલ માતાજીના માંડવામાં ચિરાગ હરદાસભાઈ ચાવડા નામના શખસ સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે સંપર્ક વધતા ચિરાગે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી હતી.
ચિરાગ ચાવડાની શોધખોળ શરૂ
બાદમાં તા.4-01-2026 ની રાત્રે સગીરાને લગ્નની લાલચ આપી ચિરાગ ભગાડી ગયો હતો અને વડલા ગામની સીમમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સવારે તે સગીરાને ઘર નજીક ઉતારી પોતે ફરાર થઇ ગયો હતો. વધુમાં અગાઉ પણ નરાધમે સગીરા સાથે બદકામ કર્યાનું દીકરીએ જણાવ્યું હતું. બાદમાં પરિવારજનોએ ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે ઉપલેટા પોલીસ મથકના પીઆઈ બી.આર. પટેલની ટીમે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ચિરાગ ચાવડાની શોધખોળ શરૂ કરી હતી.