ગોંડલમાં મેડિકલ સ્ટોર ધરાવનાર વેપારીએ રીલ્સ જોયા બાદ આવેલી શેર બજારમાં રોકાણ પર સારા વળતરની આશાએ ટ્રેડીંગ શરૂ કર્યું હતું. બાદમાં વેપારીએ રૂ.૧.૦૧ કરોડનું રોકાણ કર્યું હતું. ત્યાર બાદ વેપારીએ રોકાણ કરેલી રકમ કે વળતર ન મળતા અંતે પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા ક્રિતકા જોશી નામની મહિલા સામે રાજકોટ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ક્રિતીકા જોશીએ કરી છેતરપિંડી
છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં મારવાડી મિલ કમ્પાઉન્ડ પાસે ભોજરાજપરા સોસાયટી શેરી નં. 22/15ના ખૂણે રહેતા વેપારી ચંદ્રકાંતભાઈ લક્ષ્મણભાઈ સખીયા (ઉં.વ 59) દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ક્રિતિકા જોશીનું નામ આપ્યું છે. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ગોંડલમાં ચોરડી દરવાજા પાસે ઉદ્યોગ ભારતી ચોક નજીક સુરજ મેડિકલ સ્ટોર નામની દુકાન આવેલી છે. તેઓ સગા વ્હાલાના સંપર્કમાં રહેવા માટે જુદા જુદા સોશિયલ મીડિયા માધ્યમનો ઉપયોગ કરે છે.
જૂન મહિનામાં તેઓ મોબાઇલમાં રીલ્સ જોતા હતા દરમિયાન રીલ્સમાં શેર બજારમાં પૈસા રોકાણ કરી નફો મેળવવાની વાત કરતી રીલ્સ અઠવાડિયા સુધી જોઈ હતી. બાદમાં રીલ્સના બાયોમાં ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપમાં જોઈન થવા માટેની લીંક હોય તેના પર ક્લિક કરતા એક અજાણ્યા વોટસએપ ગ્રુપમાં તેઓ એડ થયા હતા. જે ગ્રુપમાં શેર બજારમાં આઇપીઓમાં રોકાણ કરવાથી ફાયદો થાય છે તેવી ચર્ચા થતી હતી જેથી વેપારીને આ બાબતે વધુ જાણવાની ઈચ્છા થતા તે ગ્રુપમાં મેસેજ આવતા હતા કે વધુ જાણકારી માટે એક મોબાઈલ નંબર હતો. જે ક્રિતિકા જોશીનો હોય તેનો સંપર્ક કરવા કહ્યું હતું જેથી ફરિયાદીએ કૃતિકા જોશીના વોટસએપ પર મેસેજ કરી સંપર્ક કરતા તેણે ફાયર્સ આર એચએનાઇ લિન્ક મોકલી હતી જેમાં વેપારીએ ક્લિક કરતા મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, પાનકાર્ડ નંબરની વિગત તથા તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરી સબમીટ કર્યા હતા.
ત્યારબાદ વેપારીને આ ગ્રુપમાંથી એક્ઝિટ કરી દીધા હતા. બાદમાં ફાયર્સ વીઆઈપી 111 ઇન્વેસ્ટમેન્ટ સર્કલમાં એડ કરી દીધા હતા. આ વોટ્સએપ ગ્રુપમાં પણ શેર બજાર તથા આઇપીઓ સંબંધિત માહિતીઓની ચર્ચા થતી હતી. બાદમાં વેપારીએ ટ્રેડિંગ ચાલુ કર્યું હતું અને આ ક્રિતિકા જોશીના કહ્યા મુજબ અલગ અલગ નંબર પર પૈસા ટ્રાન્સફર કર્યા હતા. વેપારીને લોભામણી સ્કીમો આપી કૃતિકા જોષીએ પોતે ફાયર્સ ટીમના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકેની ઓળખ આપી રોકાણ કરાવી તેમજ પૈસા ન ભરવાથી તમારી ક્રેડિટ ઓછી થવાથી ભવિષ્યમાં આઇપીઓ તથા શેર નહીં લાગે તેમ જણાવી વધુ રોકાણ કરવાનું કહ્યું હતું.
અન્ય એક વ્યક્તિ દીપક ખુરાના નામથી વોટ્સએપ પર ચેટ કરી તે પોતે કચ્છમાં એગ્રીકલ્ચરનો બિઝનેસ કરતા હોય તેમજ ગ્રુપમાં રોકાણ બાબતે બહુ સારું પ્રોફિટ આવતું હોય તેવી વાતો કરી વેપારી પાસેથી કુલ રૂપિયા એક કરોડ એક લાખનું રોકાણ કરાવી બાદમાં રોકેલી આ રકમ કે વળતરની રકમ પરત ન આપી છેતરપિંડી કરી હોય વેપારી દ્વારા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર અરજી કર્યા બાદ તમામને રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.