BREAKING NEWS

રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ પૂર્વે આજે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં કાર્યક્રમ

  • December 19, 2025 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આગામી તા.૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ કોન્ફરન્સની રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, બીજી બાજુ

સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે તા.૧૯થી તા.૨૧ ડિસેમ્બર સુધી પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાશે.

પોરબંદર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત આજે તા.૧૯ ડિસેમ્બર ૨૦૨૫થી વિવિધ કાર્યક્રમોનો આરંભ થશે અને બીજા દિવસે ૨૦ તારીખે પણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અને તા.૨૧ ડિસેમ્બર સુધી પ્રદર્શન યોજાશે. આ તમામ કાર્યક્રમો તાજાવાલા હોલ અને નટવરસિંહજી ક્લબ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવેલ છે. જેમાં બ્લૂ બાયો-ઇકોનોમી વિકાસ માટેનો રોડમેપ, એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ કોન્ક્લેવ તથા મહિલા સશક્તિકરણ માટેનું સશક્ત નારી મેળા અને પ્રદર્શન યોજાશે. આ પ્રસંગે પ્રભારીમંત્રી કુંવરજીભાઇ બાવળીયા સહિત કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર (એક્સ્ટેન્શન) આર. એન. ડોડીયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

દ્વારકા જિલ્લામાં જામખંભાળિયા ખાતે આજે બપોરે ત્રણ કલાકે આયોજિત કાર્યક્રમમાં પ્રભારીમંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્બોધન કરશે અને ઉદ્યોગ કમિશનર પી.સ્વરૂપની વિશેષ હાજરી રહેશે. આ એક દિવસીય જિલ્લાસ્તરીય કાર્યક્રમો સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવે છે.

ભાવનગર ખાતે ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટમાં આજે સવારે ૧૦:૩૦ કલાકે યોજાનાર કાર્યક્રમમાં પ્રભારી સચિવ તથા પ્રભારીમંત્રી કૌશિકભાઈ વેકરીયા સહિત જીઓલૉજી એન્ડ માઇનીંગના કમિશનર ડૉ. ધવલ પટેલની વિશેષ હાજરી રહેશે. તેઓ પ્રસ્તુતિ આપી ખનિજ ક્ષેત્ર, ઔદ્યોગિક વિકાસ અને રાજ્યની નીતિઓ અંગે માર્ગદર્શન આપશે, જે ઉદ્યોગકારો માટે ઉપયોગી સાબિત થશે.

બોટાદ જિલ્લામાં આજે સવારે ૧૦ કલાકે આયોજિત એક દિવસીય કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રીવાબા જાડેજા સહિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર પ્રવિણા ડી કે.ની વિશેષ હાજરી રહેશે. તેઓ ઉદ્યોગ વિકાસ, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ તકો અંગે માર્ગદર્શન આપશે, જેના દ્વારા સ્થાનિક એમ.એસ.એમ.ઇ.અને સ્ટાર્ટ-અપ્સને નવી દિશા મળશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે આજે સવારે ૧૦:૩૦ કલાકે યોજાનારા કાર્યક્રમમાં પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરશે તથા કુટિર અને ગ્રામીણ ઉદ્યોગના સેક્રેટરી અને કમિશનર આર્દ્રા અગ્રવાલ દ્વારા પ્રાદેશિક કોન્ફરન્સ અંગે વિશેષ રજૂઆત કરવામાં આવશે. અહીં સ્ટાર્ટ-અપ, ઇનોવેશન, એમ.એસ.એમ.ઇ. અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

આ તમામ જિલ્લાસ્તરીય કાર્યક્રમોમાં સફળ ઉદ્યોગકારોના અનુભવ અંગેનો સંવાદ, એમ.ઓ.યુ. સાઇનિંગ, ચેક વિતરણ, સ્ટાર્ટ-અપ અને એમ.એસ.એમ.ઇ.માટે ઉપયોગી સેમિનારો તેમજ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. રિજનલ વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત યોજાતી આ પહેલ સરકાર, ઉદ્યોગો અને રોકાણકારો વચ્ચે સંવાદ મજબૂત બનાવી વિકસિત ગુજરાત @ ૨૦૪૭ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application