BREAKING NEWS

ધ્રોલમાં વસંતપંચમીના દિવસે આહીર સમાજનો ૧રમો સમુહ લગ્નોત્સવ

  • January 21, 2026 06:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધ્રોલ સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી હંમેશા શૌર્ય, સામાજિક એકતા અને પરોપકારની સાક્ષી રહી છે. આ પરંપરાને વધુ ઉજ્જવળ બનાવવાના ઉમદા હેતુ સાથે જામનગર જિલ્લાના ધ્રોલ મુકામે મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા ૧૨માં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવારના રોજ વસંતપંચમીના પવિત્ર દિવસે ૧૬ નવયુગલો મંગલ ફેરા ફરીને સંસાર જીવનના પવિત્ર પથના પથીક બનશે.


વર્તમાન સમયમાં જ્યારે લગ્ન પાછળ થતા ખોટા ખર્ચાઓ વધતા જાય છે, ત્યારે ધ્રોલ આહિર સમાજે આ ભવ્ય આયોજન દ્વારા સમાજને સાદગી અને એકતાનો પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે. સંવત ૨૦૮૨, મહા સુદ-૫ એટલે કે વસંતપંચમીના શુભ મુહૂર્તે યોજાનાર આ મંગલ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે આહિર સમાજના રાજકીય આગેવાનો, ભામાશાઓ અને સમસ્ત આહિર સમાજના ભાઈઓ-બહેનો સહિત આશરે ૧૦ હજાર જેટલી જનમેદની ઉમટી પડશે.


આ લગ્નોત્સવને યાદગાર બનાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વેરવા ગામની પ્રખ્યાત રાસ મંડળી દ્વારા શૌર્યસભર રાસની રમઝટ બોલાવવામાં આવશે. આ સાથે જ, માતુ રામબાઈમાં ક્ધયા છાત્રાલય-ધ્રોલની બાળાઓ દ્વારા સંસ્કાર અને શિક્ષણનો સંદેશ આપતા રાસ રજૂ કરવામાં આવશે. સમગ્ર લગ્ન વિધિ આચાર્ય ભટ્ટ નયનકુમાર મુંકુદરાય દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરાવવામાં આવશે.


કાર્યક્રમની રૂપરેખા તા. ૨૩-૦૧-૨૦૨૬ના રોજ ઉત્સવની શરૂઆત વહેલી સવારે ૬:૦૦ કલાકે મંડપ રોપણથી થશે. ત્યારબાદ ૬:૩૦ કલાકે ગણેશ સ્થાપના અને જાનનું ભવ્ય આગમન થશે. સવારે ૮:૦૦ કલાકે ગૃહ શાંતિની વિધિ અને આ મહોત્સવની સૌથી મહત્વની ક્ષણ એટલે કે ’હસ્ત મેળાપ’ સવારે ૧૦:૩૦ કલાકે યોજાશે. લગ્ન વિધિ બાદ સવારે ૧૧:૦૦ કલાકે સન્માન સમારંભ અને ૧૧:૩૦ કલાકે સત્કાર સમારંભ યોજાશે. અંતે બપોરે ૧૨:૩૦ કલાકે ભવ્ય મહાપ્રસાદ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.


આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ વશરામભાઈ આહિર, ઉપપ્રમુખ કનુભાઈ મકવાણા, ખજાનચી નરસંગભાઈ ઝાટીયા અને મંત્રી કેશુભાઈ ખીમાણીયા સહિતના ટ્રસ્ટીગણ રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. ટ્રસ્ટી મંડળમાં હરસુખભાઈ શિયાર, મહેશભાઈ બરારીયા, અશોકભાઈ કાનગડ, લખમણભાઈ ડાંગર, નારણભાઈ મકવાણા, જશુભાઈ શિયાર, કાળુભાઈ ડાંગર, હરિભાઈ ખીમાણીયા, રમેશભાઈ ડાંગર, કરશનભાઈ બરારીયા અને ભરતભાઈ ડાંગર, નારણભાઈ રવાભાઈ શિયાર, જેવા સેવાભાવી આગેવાનો ખભેખભા મિલાવીને સેવા આપી રહ્યા છે.


વિશેષમાં, આ પ્રસંગના મુખ્ય આકર્ષણ એવા ભોજન સમારંભના દાતા તરીકે ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ રાવતભાઈ કાથળભાઈ શિયાર અને અ.સૌ. ભાવનાબેન રાવતભાઈ શિયાર પરિવારે પોતાની ઉદારતા દાખવી સમાજ પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. હમાપર રોડ (ખારવા ગામ) સ્થિત આહિર સમાજ વાડી ખાતે યોજાનાર આ ઉત્સવમાં સહપરિવાર પધારવા આહિર સમાજ સેવા સમિતિ-ધ્રોલ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application