BREAKING NEWS

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું, સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ખેડૂતોમાં ચિંતાનો માહોલ

  • February 23, 2026 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. આજે ૨૩મી ફેબ્રુઆરીએ વહેલી સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું બન્યા બાદ કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો હતો. અચાનક બદલાયેલા આ મિજાજને કારણે વાહનચાલકો અને ખાસ કરીને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.


અમદાવાદમાં માવઠાની એન્ટ્રી

અમદાવાદમાં આજે વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. ત્યારબાદ શહેરના પશ્ચિમ વિસ્તારો જેવા કે સિંધુ ભવન રોડ, ગોતા, ચાંદલોડિયા અને એસ.જી. હાઈવે પર વરસાદના હળવા ઝાપટાં પડ્યા હતા. માર્ગો પર અચાનક પાણી વહેતા થતા દ્વિચક્રી વાહનચાલકો અટવાયા હતા. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં હાલ વાદળછાયું અને ઠંડકભર્યું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.


રાજ્યના અન્ય જિલ્લાઓની સ્થિતિ

માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ વડોદરા અને ભરૂચ જિલ્લામાં પણ કમોસમી વરસાદનો કેર જોવા મળ્યો છે

વડોદરા: શિનોર તાલુકાના શિનોર, માલસર અને દામાપુરા ગામોમાં જોરદાર વરસાદ પડ્યો હતો.

ભરૂચ: અંકલેશ્વર અને જંબુસર સહિતના પંથકમાં ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું હતું.

હવામાન વિભાગની ચેતવણી અને આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે રાજ્યમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આગામી ૨૪ કલાક માટેની મુખ્ય આગાહીઓ નીચે મુજબ છે

ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠાની શક્યતા.

દક્ષિણ ગુજરાત: ભરૂચ, તાપી, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં પવન સાથે હળવા ઝાપટાંની સંભાવના.

સૌરાષ્ટ્ર-કચ્છ: આ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


બેવડી ઋતુ અને આરોગ્ય પર અસર

આગામી ૨૪ ફેબ્રુઆરીથી વાતાવરણ ધીમે-ધીમે સૂકું બનશે, પરંતુ તાપમાનમાં વધ-ઘટ યથાવત રહેશે. લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર ફરી થોડું વધી શકે છે. લોકોને બપોરે ગરમી અને વહેલી સવારે ઠંડી એમ બેવડી ઋતુનો સામનો કરવો પડશે, જે વાયરલ બીમારીઓમાં વધારો કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application