અમદાવાદના સી.જી. રોડ જેવા પોશ વિસ્તારમાં ઓફિસ ધરાવતી 'પરીખ હોલિડેઝ'નામની ટ્રાવેલ એજન્સી દ્વારા વિદેશમાં જતા પહેલા 100 વખત વિચારવા જેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં અમદાવાદના ખ્યાતનામ વેપારી અને તેના મિત્રોને બોગસ વિઝા પધરાવી વિયતનામ મોકલતા એરપોર્ટ ઈમીગ્રેશન અટકાવી વિઝા બોગસ હોવાનું જણાવતા વિદેશની ધરતી પર ગુજરાતી વેપારીઓ રીતસરના ગભરાઈ ગયા હતા અને જેલના સળિયા પાછળ ધકેલાય તેવી પરિસ્થિતિ માં અમદાવાદની પરીખ હોલીડેઝ ટ્રાવેલ એજન્ટ પૂર્વી શાહ ના પાપે મુસાફરોને ધોળા દહાડે તારા દેખાડી દીધા હતા.
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના પાલડી વિસ્તારના સુગમ ફ્લેટના ચેરમેન અને જાણીતા વેપારી મુકેશભાઈ રવિચંદ્ર શેઠ, જેઓ સમાજમાં મોભાદાર સ્થાન ધરાવે છે, તેમને અમદાવાદ ના પોસ્ટ વિસ્તાર ગણાતા સીજી રોડ પર આવેલી પરીખ હોલીડેઝ નામની ટ્રાવેલ કંપનીનો વિદેશની ધરતી પર કડવો અનુભવ તેમજ જેલના સળિયા ગણવા પડે તેવી પરિસ્થિતિ ટ્રાવેલ એજન્સીના પાપે ઊભી થઈ હતી.
અમદાવાદના વેપારી અને તેના મિત્રો સાથે બનેલી ઘટના ની વાત કરીએ તો ગત ૧૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ મુકેશભાઈ તેમના 5 પ્રતિષ્ઠિત વેપારી મિત્રો અને તેમના પરિવાર સાથે વિયેતનામ જવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, ઇમિગ્રેશન દરમિયાન જાણવા મળ્યું કે મુકેશભાઈના વિઝામાં કોઈ ભૂલ છે. ગભરાયેલા મુકેશભાઈએ તુરંત જ પોતાની ટ્રાવેલ એજન્ટ પૂર્વી શાહની ઓફિસમાં ફોન કર્યો.
ટ્રાવેલ એજન્ટ પૂર્વી શાહની ઓફિસના માણસોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે 'સેટિંગ' ના બણગા ફૂંક્યા અને કહ્યું કે, "તમે ચિંતા ન કરો, એરપોર્ટ પર અમારું ફૂલ સેટિંગ છે, છતાં પણ અમે નવો વિઝા લેટર કઢાવીને વોટ્સએપ પર મોકલું છું." પૂર્વી શાહે મિનિટોમાં નવો લેટર મોકલ્યો, પણ તે લેટર મુકેશભાઈ માટે મુસીબતનું નોતરું સાબિત થયો. જ્યારે મુકેશભાઈ શેઠએ એ લેટર ઓફિસરને બતાવ્યો, ત્યારે ઓફિસરે તેમને તુરંત અટકાયતમાં લીધા અને અન્ય અધિકારીઓને સાવધ કરતા કહ્યું, આ ભાઈ ફોડ માણસ છે, આની પર ખાસ ધ્યાન રાખજો તેવું કહેતા વેપારી અને તેના મિત્રો રીતસરના ગભરાઈ ગયા હતા.
તેનું કારણ એ હતું કે પોતાની કોઈ ભૂલ ન હતી પરંતુ પરીખ હોલીડેઝ ટ્રાવેલ કંપનીએ વેપારી અને તેના મિત્રો સાથે ડિજિટલ છેતરપિંડી કરી સરકારી દસ્તાવેજોમાં એડિટિંગનો ખતરનાક ખેલ ખેલી વેપારીઓને રીતસરના વિદેશની ધરતી પર ફસાવી દીધા હતા.
સ્થાનિક સૂત્રો અને પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વી શાહે મુકેશભાઈને જે નવો વિઝા લેટર મોકલ્યો હતો તે વાસ્તવમાં કોઈ નવો લેટર નહોતો, પરંતુ જૂના ભૂલ ભરેલા ઇલેક્ટ્રોનિક વિઝા લેટરમાં છેડછાડ કરીને બનાવેલો એક નકલી દસ્તાવેજ હતો. પૂર્વી શાહે એમ માન્યું હતું કે વિદેશી ઓફિસરોને ખબર નહીં પડે, પણ તેની આ હલકી કક્ષાની કરતૂત પકડાઈ ગઈ. મુકેશભાઈએ જ્યારે પોતાની આબરૂની દુહાઈ આપી ત્યારે ઓફિસરે નમ્રતાથી સમજાવ્યું કે, તમારા ટ્રાવેલ એજન્ટે આ લેટરમાં છેડછાડ કરી છે અને આ એક ગંભીર ગુનો છે, આમ પરીખ હોલીડેઝના જવાબદાર વ્યક્તિઓ ની ગુનાહિત હરકતે વેપારી મુકેશભાઈ શેઠ અને મિત્રોને વિદેશમાં ગુનેગાર હોય તેમ ચિતરી દીધા હતા.
પૂર્વી શાહે કહ્યું "સેટિંગ છે"ને વિદેશમાં વેપારીને રઝળાવ્યા
વેપારી મુકેશભાઈએ આ મામલે પૂર્વી શાહને ખખડાવ્યા, ત્યારે આ રીઢા ગુનેગાર જેવું માનસ ધરાવતી મહિલાએ ફરી જૂઠું બોલતા કહ્યું કે, તમે હૉચીમીન પહોંચી જાવ, ત્યાં મારું સેટિંગ છે, મુકેશભાઈએ પોતાના મિત્રોની ટુર બગડે નહીં તે હેતુથી જોખમ ખેડીને આગળ વધ્યા, પણ ફુકોક એરપોર્ટ પર ફરી એજ તાલ થયો જેમ વિયેતનામના અધિકારીએ કહ્યું તમે અહીં નકલી વિઝા પર મુસાફરી કરી રહ્યા છો, તમારે ભારત પરત જવું પડશે અને અંતે મુકેશભાઈએ વિદેશમાં હજારોની પેનલ્ટી ભરવી પડી હતી.
હું જેલના દરવાજા જોતા જોતા રહી ગયો : પીડિત વેપારી મુકેશ શેઠ
મુકેશભાઈ એ આપવીતી ઠાલવતા જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં અનેક દેશોનો પ્રવાસ કર્યો છે, પણ જે યાતના પૂર્વી શાહની છેતરપિંડીને કારણે ભોગવવી પડી છે તે કલ્પના બહારની છે. વિદેશમાં ઇમિગ્રેશન ઓફિસરે મને 'ફ્રોડ' કહીને સાઈડમાં બેસાડી દીધો, ત્યારે મને મારી આબરૂ લૂંટાતી દેખાઈ,પૂર્વી શાહે મને વોટ્સએપ પર એડિટ કરેલો નકલી લેટર મોકલીને જેલના દરવાજે પહોંચાડી દીધો હતો.
પરીખ હોલીડેઝ સામે કાયદાનો ગાળિયો કશી કાર્યવાહી થશે?
મીડિયા રિપોર્ટ્સના મતે, પરીખ હોલીડેઝની પૂર્વી શાહ સામે હવે છેતરપિંડી, દસ્તાવેજોમાં છેડછાડ, વિશ્વાસઘાત અને માનસિક ત્રાસ આપવાના ગંભીર ગુના હેઠળ ફરિયાદની તૈયારીઓ થઈ રહ્યાનું અને પ્રતિષ્ઠિત નાગરિક સાથે વિદેશમાં ઠગાઈ આચરવામાં આવી છે, તે જોતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે, પરીખ હોલિડેઝ જેવી સંસ્થાઓ પ્રત્યે લોકોએ અત્યંત સાવધ રહેવાની જરૂર છે, જે માત્ર થોડાક રૂપિયા માટે કોઈની આબરૂ અને જિંદગીને દાવ પર લગાવી દે તે રીતે બીજા સાથે આવું ન થાય તે માટે તંત્ર એ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.