#aajkaal team
સૌરાષ્ટ્રના ઔદ્યોગિક અને ધાર્મિક કેન્દ્ર સમા રાજકોટ માટે આજે લાભ પાંચમનો દિવસ ડબલ ધમાકા સમાન રહ્યો. લાંબા સમયથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહેલી માંગણી સ્વીકારીને કેન્દ્ર સરકારે રાજકોટને દિલ્હીની સીધી કનેક્ટિવિટી આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે રાજકોટ એરપોર્ટ પરથી ઇન્ડિગો અને એર ઇન્ડિયાની બે ફ્લાઇટ ઓપરેશનનો શુભારંભ કરાવ્યો હતો.

મીડિયા સાથેની વાતચીતમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે અને મોરબી, દ્વારકા, સોમનાથ, પોરબંદર જેવા ધાર્મિક તથા પ્રવાસન સ્થળોને જોડતું હોવાથી દિલ્હીની સવારની કનેક્ટિવિટી માટે મહાજનોની માંગ હતી. આ માંગને ધ્યાનમાં રાખીને એવિએશન મંત્રાલયે લાભ પાંચમની તિથિએ ઇન્ડિગો અને એર ઇન્ડિયા એમ બે એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ ઓપરેશન ચાલુ કરાવ્યું છે. મંત્રીશ્રીએ પોતે પણ આજે એર ઇન્ડિયાની પહેલી ફ્લાઇટમાં મુસાફરી કરીને આ અવસર માણ્યો હતો.
નવા ફ્લાઇટ ઓપરેશનથી રાજકોટ અને મોરબીના ઉદ્યોગકારો, વેપારીઓ અને યાત્રાળુઓ માટે દિલ્હીની મુસાફરી સ્મૂથ બનશે. રાજકોટના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.
આગામી દિવસોની યોજના અંગે વાત કરતા મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ અને મોરબીના ઉદ્યોગકારો માટે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલિંગ ખૂબ મહત્વનું છે, કારણ કે વિદેશથી વેપારીઓ અહીં સતત મુલાકાત લેતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એવિએશન મિનિસ્ટ્રીને રાજકોટ-દુબઈની ફ્લાઇટ વહેલી તકે શરૂ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની કનેક્ટિવિટી પણ મળી શકે.