સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજીસ્ટ્રારની ચાર મહિનાના અપવાદને બાદ કરતા છેલ્લા દસ વર્ષથી ખાલી પડેલી જગ્યા પર આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ એક પુર્વ વિદ્યાર્થી અજયસિંહ જાડેજાની પસંદગી થઈ છે. આસિસ્ટન્ટ રજીસ્ટ્રારની ખાલી પડેલી જગ્યા પર જીગ્નેશભાઈ ચિતલીયાને સિલેક્ટ કરવામાં આવ્યા છે.
ગયા શનિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રારના ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યૂની સમગ્ર પ્રક્રિયાની વિગતો ગઈકાલે મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. આ બંને બેઠકમાં રજીસ્ટ્રાર તરીકે અજયસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર તરીકે જીગ્નેશભાઈ ચીતલીયાની પસંદગીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સ્થાનિક કક્ષાએ ઉમેદવારની પસંદગી થયા પછી હવે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગની મંજૂરી માટે આ સમગ્ર બાબત મોકલવામાં આવશે અને ત્યાંથી મંજૂરી મળ્યા પછી જાડેજા અને ચિતલીયાના ઓર્ડર કાઢવામાં આવશે.
રજીસ્ટ્રારની જગ્યા પર 12 ઉમેદવારોએ અરજી કરી હતી. પરંતુ શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉમર સહિતની જુદી જુદી બાબતો અને માપદંડોને ધ્યાનમાં રાખી નવ અરજી રદ કરવામાં આવી હતી. ત્રણ લાયક ઉમેદવાર માટે શનિવારે ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા અને તેમાં આંબેડકર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અજયસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર મનીષભાઈ ધામેચા અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના જાદવે ઇન્ટરવ્યૂ આપ્યા હતા.