BREAKING NEWS

દિલ્હી બ્લાસ્ટ કેસઃ અલ ફલાહ યુનિ.ના ચેરમેન જાવેદ સિદ્દીકીનું ઘર ગેરકાયદે જાહેર, બૂલડોઝર ફરી વળશે

  • November 20, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી બ્લાસ્ટ કેસમાં અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જાવેદ અહેમદ સિદ્દીકીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. મધ્યપ્રદેશના મહુ કેન્ટોનમેન્ટ બોર્ડે જાવેદ અહેમદ સિદ્દીકીના પરિવારના નામે નોંધાયેલ રહેણાંક મિલકતને ગેરકાયદેસર જાહેર કરાઈ છે. બોર્ડે ઘર પર એક નોટિસ લગાવી છે, જેમાં ત્રણ દિવસમાં તોડી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બોર્ડે ચેતવણી પણ આપી છે કે જો સૂચનાઓનું પાલન નહીં કરવામાં આવે તો ખર્ચ સંડોવાયેલા પક્ષો પાસેથી વસૂલ કરવામાં આવશે.

મહુના મુકેરી મોહલ્લામાં સર્વે નંબર 245/1245 પર આવેલું ઘર નંબર 1371, સ્વર્ગસ્થ મૌલાના હમ્મદ (જાવેદ અહેમદ સિદ્દીકીના પિતા)ના નામે નોંધાયેલું છે. આશરે 860 ચોરસ ફૂટના આ ત્રણ માળના ઘરમાં ગેરકાયદેસર ભોંયરું પણ છે.

કેન્ટોનમેન્ટ એન્જિનિયર એચએસ કલોયાએ જણાવ્યું હતું કે, અમે જાવેદ અહેમદ સિદ્દીકીના પિતા સ્વર્ગસ્થ મૌલાના હમ્મદના ઘરને નોટિસ જારી કરી છે. નોટિસ અનુસાર, વિભાગે અગાઉ 1996 અને 1997માં કેન્ટોનમેન્ટ એક્ટ, 1924ની સંબંધિત કલમો હેઠળ અનેક પત્રો જારી કર્યા હતા, જેમાં અનધિકૃત બાંધકામ તોડી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું, જોકે, વારંવાર નોટિસો આપવા છતાં, કથિત બાંધકામ દૂર કરવામાં આવ્યું નથી. નવી નોટિસમાં મિલકતના વર્તમાન રહેવાસીઓ અથવા કાનૂની વારસદારોને ત્રણ દિવસની અંદર અનધિકૃત બાંધકામ દૂર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે જો નિર્દેશનું પાલન નહીં થાય તો કેન્ટોનમેન્ટ બોર્ડ ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરશે અને કેન્ટોનમેન્ટ કાયદાની જોગવાઈઓ અનુસાર સંબંધિત પક્ષ પાસેથી થયેલા ખર્ચની વસૂલાત કરશે.

અહેવાલો અનુસાર, જાવેદ અહેમદ સિદ્દીકીના પરિવાર સહિત સમગ્ર પરિવાર મહુ છોડીને હરિયાણાના ફરીદાબાદમાં સ્થળાંતરિત થયો હતો. તેમ છતાં, કેટલાક લોકો ઘરમાં રહે છે, અને તેમને નોટિસો પાઠવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જાવેદ સિદ્દીકીના ભાઈ હમુદ અહેમદ સિદ્દીકીની તાજેતરમાં જ મહુમાં 25 વર્ષ જૂના એક મોટા નાણાકીય કૌભાંડના સંબંધમાં મધ્ય પ્રદેશ પોલીસે હૈદરાબાદથી ધરપકડ કરી હતી.

દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં તપાસ એજન્સીઓ અલ-ફલાહ યુનિવર્સિટી પર નજીકથી નજર રાખી રહી છે. મુખ્ય આરોપી ડો. ઉમર ઉન નબી સહિત અનેક શંકાસ્પદો સંસ્થા સાથે સીધા જોડાયેલા હોવાથી યુનિવર્સિટીને તપાસનું કેન્દ્ર માનવામાં આવે છે. તપાસકર્તાઓ સંસ્થાના વિદ્યાર્થીઓના રેકોર્ડ, ભંડોળના સ્ત્રોતો, વિદેશી વ્યવહારો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની તપાસ કરી રહ્યા છે.

આ બાબતની સંવેદનશીલતાને કારણે સ્થાનિક વહીવટીતંત્ર અને કેન્ટોનમેન્ટ બોર્ડે સુરક્ષાની વિસ્તૃત વ્યવસ્થા કરી છે. આગામી થોડા દિવસોમાં ઘર તોડી પાડવામાં આવે તેવી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News