જામનગર સહીત રાજયભરમાં કુલ મૃત્યુ દરમાં પુરૂષનું પ્રમાણ ૬૦ ટકા નોંધાતા આ બાબત ભારે ચિંતાજનકનો વિષય છે. પુરૂષોમાં સીગરેટનું ધ્રુમપાન અને દારૂની કુટેવથી કેન્સર, ચરબીવાળો ખોરાક, બેઠાડું જીવન, અનિયમિત લાઇફ સ્ટાઇલથી થતી જીવલેણ બીમારી મુખ્ય કારણભૂત હોવાનું તબીબોએ જણાવ્યું છે.છેલ્લાં પાંચ વર્ષમાં કુલ મૃત્યુના કિસ્સામાં મહીલા કરતા પુરૂષની સંખ્યા ૪૦ થી ૫૦ હજાર વધુ નોંધાઇ છે.પુરૂષોની મૃત્યુની સંખ્યા વધતા સામાજીક વ્યવસ્થા પર સૌથી વધુ જોખમ સર્જાયું છે.
ગુજરાતમાં વર્ષ-૨૦૨૩માં ૪૮૭૯૭૧ લોકોના મૃત્યુ થયા છે. આમ પ્રતિ કલાક ૫૬ અને દરરોજ ૧૩૩૭ લોકો કોઇને કોઇ કારણસર પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ખાસ કરીને મહીલા કરતા પુરૂષના મૃત્યુનું પ્રમાણ દીન-પ્રતિદીન વધી રહ્યું છે. છેલ્લાં પાંચ વર્ષના મૃત્યુના આંકડા જોઇએ તો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ-૨૦૧૯ માં કુલ ૨૧૦૦૬૦, ૨૦૨૦માં ૨૫૮૫૩૪, ૨૦૨૧માં ૩૫૩૧૫૦, ૨૦૨૨માં ૨૨૪૦૩૯, ૨૦૨૩માં ૨૩૮૨૬૫ લોકોના મૃત્યુ થયાનું નોંધાયું છે. પરંતુ નવાઇની વાત એ છે કે આ પાંચ વર્ષમાં મહીલા કરતા પુરૂષના મૃત્યુના કિસ્સા દર વર્ષે ૪૦ થી ૫૦ હજાર વધુ નોંધાયા છે. આથી મૃત્યુ પામનારામાં સરેરાશ ૬૦ ટકા પુરૂષનો સમાવેશ થાય છે. જે ખરેખર ચિંતાજનક છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ૨૦૧૯માં ૧૫૧૩૬૧ પુરૂષ અને ૧૦૦૮૫૬ મહીલા, ૨૦૨૦માં ૧૫૯૦૮૭ પુરૂષ, ૧૦૬૨૬૬, ૨૦૨૧માં ૨૧૭૪૮૭ પુરૂષ, ૧૫૪૮૯૧ મહીલા, ૨૦૨૨માં ૧૫૮૮૬૮ પુરૂષ, ૧૦૫૧૪૦ મહીલા અને ૨૦૨૩માં ૧૪૮૮૭૩ પુરૂષ અને ૨૪૯૭૦૬ મહીલાના મુત્યુ થયા છે.
જયારે ગુજરાતના શહેરોમાં ૨૦૧૯માં ૧૨૮૪૭૧ પુરૂષ અને ૮૫૧૮૪ મહીલા, ૨૦૨૦માં ૧૫૭૫૩૯ પુરૂષ અને ૧૦૦૯૬૪ મહીલા, ૨૦૨૧માં ૨૦૯૯૬૩ પુરૂષ અને ૧૪૩૧૫૮ મહીલા, ૨૦૨૨માં ૧૩૪૨૯૮ પુરૂષ અને ૮૯૭૨૦ મહીલા, ૨૦૨૩માં ૧૪૩૨૮૭ પુરૂષ અને ૯૪૯૫૧ મહીલાના મૃત્યુ કોઇ કારણોસર થયા છે. આમ પાંચ વર્ષમાં મહીલા કરતા પુરૂષના મૃત્યનું પ્રમાણ ખૂબજ વધુ છે. પુરૂષના મૃત્યુના વધતા કિસ્સા પાછળના કારણો પણ ચોંકાવનારા છે. કારણ કે, તબીબોના જણાવ્યાનુસાર રાજયમાં પુરૂષોમાં સીગરેટનું ધ્રુમપાન અને દારૂના સેવનની કુટેવ ખૂબજ વધી છે.
જેના કારણે ફેંફસા તથા મોંના કેન્સર થવાના કિસ્સા વધતા પુરૂષના મૃત્યુનો દર વધી રહ્યો છે. આટલું જ નહીં મહીલા કરતા પુરૂષો વધુ પ્રમાણમાં ચરબીવાળો ખોરાક આરોગતા હોવાની સાથે બેઠાડું જીવન, અનિયમિત લાઇફ સ્ટાઇલના કારણે હાયપર ટેન્શન, ડાયબીટીસ, બલ્ડપ્રેશર સહીતની બિમારીથી અન્ય જીવલેણ રોગને આમંત્રણથી પણ મૃત્યુના કિસ્સા પણ વઘ્યા છે. રાજયમાં મહીલા કરતા પુરૂષના મૃત્યુના દરનું પ્રમાણ ૬૦ ટકા હોય સામાજીક વ્યવસ્થા માટે આ સૌથી વધુ ચિંતાજનક બાબત છે. ત્યારે પુરૂષોના મૃત્યુનો દર ઘટે તે માટે ચિંતનની સાથે જાગૃતિ અનિવાર્ય બની છે.
રાજયમાં વર્ષ-૨૦૨૩માં જામનગર જિલ્લામાં સૌથી ઓછા મૃત્યુ
રાજયમાં વર્ષ-૨૦૨૩માં જામનગર જિલ્લામાં સૌથી ઓછા લોકોના મૃત્યુ થયાનું નોંધાયું છે. કારણ કે, અમદાવાદરમાં ૬૭૦૯૫, સુરતમાં ૪૪૪૫૨, વડોદરામાં ૩૩૦૦૨, રાજકોટમાં ૨૭૨૫૦, ખેડામાં ૧૯૨૬૭, બનાસકાંઠામાં ૧૮૭૮૮, આણંદમાં ૧૮૩૮૦, ભાવનગરમાં ૧૮૦૪૩, મહેસાણામાં ૧૬૦૧૭, વલસાડમાં ૧૪૯૭૫, પંચમહાલમાં ૧૪૬૮૫, ભરૂચમાં ૧૪૪૨૯, કચ્છમાં ૧૪૧૨૬, દહોદમાં ૧૩૩૨૫, નવસારીમાં ૧૨૯૫૬ અને જામનગરમાં ૧૨૩૬૩ લોકોના મૃત્યુ થયા છે.