લિવર સિરોસિસનું અસલી વિલન માત્ર આલ્કોહોલ નથી! જાણો કેવી રીતે ટુથબ્રશ પણ બની શકે છે આ જીવલેણ રોગનું કારણ
Alcohol is Not the Only Villain for Liver Cirrhosis! Know How Even a Toothbrush Can Cause This Deadly Disease
બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ પહેલાજ નિહલાનીનું તાજેતરમાં 4 જૂન 2026ના રોજ અવસાન થયું છે. મીડિયા અહેવાલો અનુસાર, તેઓ છેલ્લા ચાર મહિનાથી 'લિવર સિરોસિસ' નામની ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા. સામાન્ય રીતે જ્યારે પણ લિવર સિરોસિસનું નામ આવે ત્યારે લોકો તેને માત્ર વધુ પડતા દારૂના સેવન સાથે જોડે છે. પરંતુ તબીબી સંસ્થાઓ અને અમેરિકન લિવર ફાઉન્ડેશનના મતે, આલ્કોહોલ આ રોગનું બીજું મોટું કારણ છે, પ્રથમ નહીં.
આ રોગનું સૌથી મોટું અને ગુપ્ત કારણ 'હેપેટાઈટીસ સી' વાયરસ છે.શું છે લિવર સિરોસિસ અને કેવી રીતે લિવર થાય છે ફેઈલ?
માનવ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક લિવર (યકૃત) છે. લિવર સિરોસિસ એ લિવરની એક એવી ગંભીર સ્થિતિ છે, જેમાં લાંબા ગાળાના ઇન્ફેક્શન કે નુકસાનને કારણે લિવરના તંદુરસ્ત કોષો નાશ પામે છે અને તેની જગ્યાએ કાયમી સ્કાર ટિશ્યુ (તંતુમય અખાડ કોષો) બની જાય છે.
પ્રથમ તબક્કો:- ઇન્ફેક્શન કે વધુ પડતા આલ્કોહોલથી લિવરના કોષોમાં ચરબી જમા થાય છે, જેને ફેટી લિવર કહે છે અને લિવરનો સોજો વધે છે.
બીજો તબક્કો:- સોજાના કારણે તંદુરસ્ત કોષો મરવા લાગે છે. લિવરની પોતાની જાતે સાજા થવાની ક્ષમતા કરતાં કોષોના નાશ પામવાની ઝડપ વધી જાય છે.
અંતિમ તબક્કો:- સમય જતાં લિવરનો મોટાભાગનો હિસ્સો ડૅમેજ થઈ જાય છે, લોહીનું શુદ્ધિકરણ અટકી જાય છે અને છેવટે લિવર કામ કરવાનું બંધ કરી દે છે
ટુથબ્રશ અને લિવર સિરોસિસ વચ્ચે શું છે કનેક્શન?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના જણાવ્યા અનુસાર, હેપેટાઈટીસ સી એ 'બ્લડ બોર્ન' એટલે કે લોહીના માધ્યમથી ફેલાતો વાયરસ છે. શરૂઆતમાં આ ઇન્ફેક્શનના કોઈ લક્ષણો દેખાતા નથી. આ જીવલેણ વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં કેવી રીતે પ્રવેશી શકે છે તે જાણવું અત્યંત જરૂરી છે
પર્સનલ વસ્તુઓ શેર કરવાથી
જો કોઈ હેપેટાઈટીસ સી સંક્રમિત વ્યક્તિ બ્રશ કરતી વખતે તેના દાંત કે પેઢામાંથી લોહી નીકળે અને તે લોહી ટુથબ્રશ પર રહી જાય. હવે જો એ જ ટુથબ્રશનો ઉપયોગ અન્ય કોઈ સ્વસ્થ વ્યક્તિ કરે, અને તેના મોંમાં કોઈ નાનો ઘા કે કટ હોય, તો આ વાયરસ સીધો તેના લોહીના પ્રવાહમાં ભળી જાય છે.
અન્ય જોખમી સાધનો:- સંક્રમિત વ્યક્તિના રેઝર (બ્લેડ), નખ કાપવાનું નેલ ક્લિપર શેર કરવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે.
અનસ્ટિરિલાઈઝ્ડ સોય:- ટેટૂ બનાવતી વખતે કે બોડી પિયર્સિંગ વખતે જો સોય બરાબર સાફ (સ્ટિરિલાઈઝ) ન કરી હોય, અથવા સંક્રમિત લોહી ચડાવવામાં આવે તો પણ આ વાયરસ શરીરમાં પ્રવેશે છે.
બચાવ અને સાવચેતી જ ઉત્તમ ઈલાજ
ડોક્ટરોના મતે, હેપેટાઈટીસ સી વાયરસ માત્ર લિવર સિરોસિસ જ નહીં, પરંતુ આગળ જતાં લિવર કેન્સરનું કારણ પણ બની શકે છે. પરંતુ જો સમયસર નિદાન થાય, તો તેનો ઈલાજ શક્ય છે.
બચાવ માટે આ બાબતોનું ધ્યાન રાખવું
૧. કોઈ પણ સંજોગોમાં તમારું ટુથબ્રશ, રેઝર કે જીભિયું (ટંગ ક્લીનર) પરિવારના સભ્યો સાથે પણ શેર ન કરો.
૨. ટેટૂ હંમેશા પ્રમાણિત અને સ્વચ્છ ક્લિનિકમાંથી નવી સોયનો ઉપયોગ કરીને જ બનાવો.
૩. આલ્કોહોલના વધુ પડતા સેવનથી દૂર રહો અને નિયમિત અંતરે બોડી ચેકઅપ તેમજ લિવર ફંક્શન ટેસ્ટ (LFT) કરાવતા રહો.