ગુજરાતની તમામ ડીઇઓ કચેરીઓ પેપરલેસ કરવામાં આવી છે. સરકાર દ્વારા આ અંગે દરેક જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર પણ મોકલી આપ્યો છે. સરકારનો હેતું રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને ઝડપ લાવવાનો છે.
રાજ્યની તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓને હવે સંપૂર્ણપણે ડિજિટલ બનાવી 'ઈ-સરકાર' પોર્ટલ હેઠળ આવરી લેવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. હવેથી શાળાઓના કમિશનરની કચેરી ખાતે કોઈપણ પત્રવ્યવહાર કે ફાઈલ હાર્ડ કોપીમાં સ્વીકારવામાં આવશે નહીં.
શાળા કમિશનર કચેરી દ્વારા જારી કરવામાં આવેલા નવા આદેશ મુજબ, તમામ વહીવટી અને શૈક્ષણિક કામગીરી હવે ડિજિટલ ફોર્મેટમાં જ કરવાની રહેશે.ડીઈઓ કચેરીથી રાજ્ય કક્ષાએ મોકલવામાં આવતી ફાઈલો જો હાર્ડ કોપી હશે તો તેનો અસ્વીકાર કરવામાં આવશે. જો કોઈ અધિકારી આ આદેશનું ઉલ્લંઘન કરી મેન્યુઅલ ફાઈલ મોકલશે તો તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
સરકારનો મુખ્ય હેતુ સરકારી કચેરીઓને આધુનિક બનાવવાનો છે. જેમાં મેન્યુઅલ ફાઈલોની હેરફેરમાં થતો સમય બચશે અને કામગીરી ઝડપી થશે. કોઈ ફાઈલ કયા ટેબલ પર અને કેટલા સમયથી પેન્ડિંગ છે તેનું ઓનલાઈન ટ્રેકિંગ સરળ બનશે. ભ્રષ્ટાચાર અને ફાઈલો ગુમ થવાની શક્યતાઓ નહિવત્ થઈ જશે. આ ઉપરાંત વર્ષો જૂના દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રાખી શકાશે.