જામનગર કોર્પોરેશનમાં હવે જાણે કે કોઇ કોઇનું માનતું નથી, લોકોના નાના-મોટા કામ થતાં નથી એવી વાતો પ્રસરી રહી છે, પદાધિકારીઓમાં પણ અંદરોઅંદર સંકલન ન હોવાના કારણે કેટલાક નગરસેવકો પણ નારાજ છે, પરંતુ ચોંકાવનારી બાબત તો એ છે કે, ભૂગર્ભ ગટર, રસ્તાના કામ અને કેટલીક ખરીદીના પ્રશ્ર્ને પણ હવે પદાધિકારીઓ અને કેટલાક રાજકીય અગ્રણીઓ વારંવાર ટાંગ લગાવતા હોય અને અધિકારીઓને કામ કરવા દેતા ન હોય તેથી અમુક અધિકારીઓ તો હવે ડીપ્રેશનમાં આવી ગયા છે, પરાણે-પરાણે મને કમને રાજકીય અગ્રણીઓના આદેશો માનવા પડે છે, ન માનીએ તો દરરોજ અવનવા પ્રશ્ર્નો મોકલીને હેરાન-પરેશાન કરે છે, એક ઉચ્ચ અધિકારી તો કહે છે કે, જામનગરમાં તમે કામ કરો એટલે બીજે કયાંય તમામને વાંધો ન આવે ! આ પ્રકારના અધિકારીઓ હવે કંટાળી ગયા છે અને ઝડપથી તેમની બદલી થાય તે માટે માનતા પણ માની હોવાનું બહાર આવ્યું છે, કેટલાક નાના-મોટા કોન્ટ્રાકટના કામમાં પણ અમારૂ શું ? એમ કહીને અધિકારીઓને દબાડાવવામાં આવતા હોવાની થોકબંધ ફરિયાદ બહાર આવી છે. આ અંગે અધિકારીઓ નોકરી કરવાની હોય બોલતા નથી, પરંતુ મનમાંને મનમાં સમસમી રહ્યા છે અને મોકો મળે ત્યારે તેનો બદલો વાળવા પણ તૈયાર હોવાનું પણ બહાર આવ્યું છે.
જામનગર શહેરમાં મોટા કામોમાં તો કેટલાક રાજકીય અગ્રણીઓ ભલામણ કરે તે વાત તો જગજાહેર છે, પરંતુ નાની-મોટી ખરીદી મંડપના કોન્ટ્રાકટ, રેતી, કપચી અને અન્ય નાની ચીજવસ્તુના કોન્ટ્રાકટ પોતાના મામકાઓને મળે તે માટે અધિકારીઓને સતત ભલામણ કર્યા કરે છે, સાહેબ, તાત્કાલીક અમારૂ કામ કરી દો અને અમારા માણસને કોન્ટ્રાકટ મળે એવું કાંઇક કરો. ભૂગર્ભ ગટર શાખામાં તો એટલો ભ્રષ્ટાચાર ચાલે છે કે, ખરેખર આ ખાતા સામે વિજીલન્સ કાર્યવાહી થવી જોઇએ તેવું કેટલાક કોર્પોરેટરો કહી રહ્યા છે, એક અધિકારી, એક રાજકીય અગ્રણી, એક પુર્વ કર્મચારી પણ ભૂગર્ભ ગટરના કામો માટે કોન્ટ્રાકટ રાખી રહ્યા છે અને જો કોન્ટ્રાકટ ન મળે તો રિસાય જાય છે તેવું પણ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.
કોર્પોરેશનમાં હવે તો રોજેરોજની ભલામણોથી અધિકારીઓ તોબા પોકારી ગયા છે, અવાનવાર નાના-મોટા કામોમાં ભલામણ થાય છે, તે અધિકારીઓને પણ ગમતું નથી, એ બીચારા શું કરે ? કાં નોકરી છોડવી પડે કાં જી હા..જી હા...કરવું પડે નહીંતર તો આ રાજકીય લોકો તેમના પ્રમોશન પણ અટકાવી દે. ખરેખર છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તો ભલામણનો દૌર વધી ગયો છે, અગાઉ અપક્ષ લોકો સતા ઉપર હતાં ત્યારે ભલામણ તો થતી હતી પરંતુ ગુજરાતીમાં કહીએ તો ભલામણનો આડો આંક વળી ગયો છે.
સિકયુરીટી હોય કે મંડપ, કોમ્પ્યુટર ખરીદી હોય કે રાષ્ટ્રઘ્વજ માટે લાકડીની ખરીદી હોય, આ બધામાં કેટલાક રાજકીય અગ્રણીઓ સંડોવાયા હોવાની વિગતો બહાર આવી છે, ખાસ કરીને ૧૫ ઓગષ્ટ અને ૨૬મી જાન્યુઆરીમાં કોર્પોરેશન અને અગ્રણી કંપની દ્વારા રાષ્ટ્રઘ્વજનું વિનામૂલ્યે લોકોને વિતરણ કરવામાં આવે છે છતાં પણ મસમોટા કોન્ટ્રાકટ આપીને લાકડીની ખરીદી કરવામાં આવે છે જેમાં પૂર્વ નગરસેવકો અને સંગઠનના કેટલાક લોકો આવી ખરીદીમાં પણ તક શોધી રહી છે અને લાખો પિયા કમાય તે બધાને ખબર છે. ભૂતકાળમાં મંડપના કોન્ટ્રાકટમાં પણ કેટલીક ગોબાચારી બહાર આવી છે, પરંતુ રાજકીય અગ્રણીઓનો એમાં સાથ હોવાથી તેની સામે કાંઇ કાર્યવાહી થતી નથી તે જગજાહેર છે.
એવી વિગતો પણ બહાર આવી છે કે, ૧૧ મહીનાના કોન્ટ્રાકટ માટે બહારની એજન્સીઓ દ્વારા કેટલાક કર્મચારીની ભરતી થાય છે એમાં પણ એક અધિકારી અને એક રાજકીય અગ્રણી સામેલ હોવાનું ચારેબાજુ ચર્ચાઇ રહ્યું છે. જયાં તક મળે ત્યાં પૈસા બનાવવાનું આવા લોકો ચુકતા નથી જેને કારણે શહેરના કેટલાક કામો નબળા થતાં હોવાની પણ ફરિયાદો ઉઠી છે, દા.ત.૨૦ લાખનું સીસી રોડનું કામ હોય તો તેમાં પણ રાજકીય અગ્રણીઓ અને કેટલાક માનીતા નગરસેવકો પોતાનો પ્રસાદ માંગે છે અને કોન્ટ્રાકટર ઉપર ભારે દબાણ કરે છે. ત્યારે આ ૨૦ લાખનું કામ કેવું થાય તે તમો સમજી શકો છો, વળી એવી ચોંકાવનારી વિગત બહાર આવી છે કે, ડામર અને પેચવર્કના કામ કરવા માટે એક મોટા ગજાના રાજકારણીના સગાને કોન્ટ્રાકટ અપાયો છે ત્યારે રસ્તાના નબળા કામોમાં પણ અધિકારીઓ પણ કાંઇ બોલી શકતા નથી, આવી છે મહાપાલીકાની હાલત. એક અધિકારીની આવડત ઓછી હોય છતાં પણ તેમને ઉચ્ચ પદ આપી દેવાયું અને સારો હોદો અપાયો પરંતુ ત્યાં પણ આ અધિકારી નિષ્ફળ ગયા અને આખરે હાલ તો મ્યુ.કમિશ્નરે કડક હાથે કામ લઇને આ અધિકારીને સાઇડલાઇન કરી દીધો છે. મોટા ગજાના રાજકીય અગ્રણીની ભલામણને કારણે આ અધિકારીને અગાઉ ઘી-કેળા હતાં, પરંતુ ફટાકડા કાંડમાં આ અધિકારીને સાઇડલાઇન કરી દેવાયો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
જલારામ ઝુપડપટ્ટીમાં બુલડોઝર કેમ નહીં? જો તોડાય તો ફલાય ઓવરની શાન વધે
જામનગરમાં શહેરની વચોવચ્ચ જલારામ ઝુપડપટ્ટી આવેલી છે, અગાઉ આ ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને કોર્પોરેશન દ્વારા મકાન પણ ફાળવી દેવામાં આવ્યા છે, પરંતુ કોણ જાણે કેમ આ જલારામ ઝુપડપટ્ટી હજુ પણ તુટતી નથી, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી કડક હાથે કામ કરી કોઇને શેહ-શરમ રાખ્યા વિના ૯૬૫ જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડાવી ચૂકયા છે, જામનગરની શાન સમા ફલાય ઓવર પુરો થઇ ગયો છે, પરંતુ જલારામ ઝુપડપટ્ટીના રહેવાસીઓને મકાન ફાળવી દેવાયા હોવા છતાં દુર કરાતા નથી, આ ઝુપડપટ્ટી દુર કરવા કેટલાક લોકોએ ખાનગીમાં રજૂઆત કરી છે, હવે કોઇની શેહ-શરમ રાખ્યા વિના અને ઓવરબ્રિજ વાળો રસ્તો સારો થાય તે માટે પણ ગેરકાયદેસર ઝુપડપટ્ટી ઉપર તાત્કાલીક બુલડોઝર ફેરવી દેવું જોઇએ તેવું લોકોમાં બોલાઇ રહ્યું છે.
ભલામણનો દૌર: અધિકારીઓ મુંઝવણમાં
જામનગર મહાનગરપાલીકામાં જો કામ કરવું હોય તો પદાધિકારી કે મોટા માથા ગણાતા રાજકીય અગ્રણીઓની સુચના માનવી પડે, અધિકારીઓ બીકના માર્યા કોઇપણ સંજોગને લીધે ભલામણો માને છે, એક ભલામણ માને એટલે તરત જ બીજી ભલામણ તૈયાર જ હોય. નાના-મોટા કામમાં પણ આ મકાન તોડવું નહીં, આ રેકડી હટાવવી નહીં, આ કોન્ટ્રાકટ આ વ્યકિતને જ આપવો આ પ્રકારની ભલામણોથી મ્યુ.કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખરેખર કંટાળી ગયા હોવાનું બહાર આવ્યું છે.