શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા સમેત શિખર એપાર્ટમેન્ટમાં શનીવારે લાલજી રમેશભાઇ પઢીયાર(ઉ.વ. ૪૨) એ પત્ની તૃષાબેન(ઉ.વ.૩૯) પર પરવાનાવાળી પીસ્તોલથી ફાયરિંગ કરી ખુદને ગોળી મારી દીધી હતી. જેમાં પતી-પત્ની બંનેના મોત થયા હતાં. આ ઘટનાના કેન્દ્રસ્થાને રહેલા તૃષાબેનના કૌટુંબિક ભત્રીજા વિશાલ ગોહેલનું ગાંધીગ્રામ પોલીસે નિવેદન લીધું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, તૃષાબેનને પતિ લાલજી સાથે લાંબા સમયથી માથાકૂટ ચાલતી હોય તેની વાત તે જણાવતા હતાં. પોતાને તૃષાબેન સાથે આ સિવાય કોઇ સંબંધ ન હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. અગાઉ લાલજીએ તેના પર શંકા કરી તેની સાથે માથાકૂટ કરી હતી જે તે સમયે તેણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી પણ કરી હતી. લાલજી શંકાશીલ સ્વભાવનો હોય તે પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી તેનો પીછો કરતો હતો જે બાબતે દંપતી વચ્ચે માથાકૂટ થતી હતી અને તૃષાબેને અગાઉ ગાંધીગ્રામ, પ્ર.નગરમાં પતિ સામે અરજીઓ કરી હતી. એટલુ જ નહીં તેણે છુટાછેડા માટેની તૈયારી શરૂ કરી હતી. વિશાલના નિવેદન બાદ હાલના તબક્કે તેની સામે કોઇ ગુનો બનતો ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વિશાલને મળવા રેસકોર્સ ગયા હતા
શનિવારે નાગેશ્વર પાસે સમેત શિખરમાં થયેલા ફાયરિંગ પ્રકરણમાં ગાંધીગ્રામ પોલીસે તૃષાબેનના જેની સાથે સંબંધ હોવાનું કહેવાઇ છે તે સામાકાંઠા વિસ્તારમાં રહેતા વિશાલ ગોહેલનું પોલીસે નિવેદન નોંધ્યું હતું. પોલીસે સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, વિશાલે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તૃષાબેનને પતિ લાલજી સાથે છેલ્લા ઘણા સમયથી ઝઘડા ચાલતા હોય જેથી તે આ વાત તેમને જણાવતા હતાં. પોતે તેમના સગા થતા હોય જેથી તેના ઘરે આવરોજવરો હોવાથી આ વાત લાલજીભાઇને પસંદ ન હતી તે આ બાબતે શંકા કુશંકા કરતા હતાં. તૃષાબેનને દુબઇ જવું હોય જેથી સલાહ લેવા માટે તે વિશાલને મળવા રેસકોર્સ ગયા હતા ત્યારે આ વાતની જાણ લાલજીને કોઇપણ રીતે થઇ જતા તેણે અહીં પહોંચી બંને સાથે માથાકૂટ કરી હતી. તે સમયે પ્ર.નગરમાં અરજી કરવામાં આવી હતી. બાદમાં સમાધાન થઇ ગયું હતું. નવરાત્રી સમયે વિશાલ ચણીયાચોળી લેવા માટે તૃષાબેનના ઘરે જતા લાલજીને તે વાતની જાણ થતા ફરી ઝઘડો કર્યો હતો.
બીજા દિવસે આવી લાલજીએ ફાયરિંગ કર્યું હતું
બાદમાં નવરાત્રીમાં લાલજી પત્ની તૃષા સાથે વિશાલ તેની પત્ની સાથે સહિતના પરિવારજનો રાસોત્સવમાં ગયા હતાં ત્યારે પણ સાથે ફોટો પડાવવા બાબતે લાલજીએ માથાકૂટ કરી હતી.બાદમાં તૃષાબેને કંટાળી ઘર છોડી દેવાનું નક્કી કર્યું હતું. તે પ્રથમ તેની બહેન રીનાના ઘરે જવાના હતા પરંતુ અહીં કોઇ માથાકૂટ ન થાય તે માટે તે સહેલી પૂજાના ઘરે સમેત શિખરમાં રહેવા ચાલ્યા ગયા હતાં. આ સમયે તે ઘરેથી રોકડ રૂ.૨ લાખ,જવેલરી અને મકાનના દસ્તાવેજ પણ સાથે લઇ ગયા હતાં. જે વિશાલને સચાવવા આપ્યા હતાં. બાદમાં શુક્રવારે રાત્રે પતિ-પત્ની વચ્ચે સમાધાનની બેઠક થઇ હતી. જે દોઢ કલાક સુધી ચાલી હતી પણ સમાધાન ન થયું ન હતું. બાદમાં બીજા દિવસે આવી લાલજીએ ફાયરિંગ કર્યું હતું.
પાડોશીને પણ પત્ની પર નજર રાખવાનું કહેતો હતો
વિશાલે પોતાના નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે, લાલજી શંકાશીલ સ્વભાવનો હોય તે પોતાના પાડોશીને પણ પત્ની પર નજર રાખવાનું કહેતો હતો, પોતે પણ ઓચિંતા ઘરે આવી ખાતરી કરતો. એટલું જ નહીં પત્ની માવતર જેતપુર જાય તો પાછળથી એકટિવા લઇ તેનો પીછો કરતો હતો. પોલીસે વિશાલ પાસેથી રોકડ રકમ, જવેલરી અને મકાનના દસ્તાવેજ લઇ તૃષાબેનના પુત્રને સોંપ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ વિશાલના નિવેદન બાદ હાલના તબક્કે તેની સામે કોઇ ગુનો ન બનતો હોવાનું જણાવ્યું હતું.