જામનગરમાં વધતી જતી ગંદકીને ઓછી કરવા માટે કચરા માટેનો કોન્ટ્રાકટ બે કંપનીને આપી દેવામાં આવ્યો છે, શહેરના ૧૬ વોર્ડમાંથી બંને કંપનીને ૮-૮ વોર્ડ ફાળવાયા છે, રૂ.૨૬૮ કરોડના આ મહત્વના પ્રોજેકટ માટે ૨૧૬ જેટલા નવા વાહનો શહેરમાં આવી રહ્યા છે અને કેટલાક વાહનોને સોમવારે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે પ્રસ્થાન કરાવીને ૪ વોર્ડમાં આ વાહનોને જવા દેવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકી વધી રહી હતી તેમાં અધુરામાં પુરૂ હોય તેમ ગુલાબનગરના ડમ્પીંગ પોઇન્ટમાં ૧ લાખ ૬૦ હજાર ટન કચરો ઠાલવી દેવામાં આવ્યો છે તે કચરાને બાળવાની વિધી હવે થોડા દિવસોમાં શરૂ થશે, પરંતુ મુખ્યમંત્રીના હસ્તે જામનગર વધુ સ્વચ્છ રહે તે માટે ઓમ સ્વચ્છતા અને પરમેનન્ટ સોલ્યુશન નામની કંપનીને કચરો ઉપાડવાનો કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો છે. આ કંપનીઓ સરખે ભાગે એટલે કે ૮-૮ વોર્ડમાંથી કચરો ઉપાડશે.
જામનગરમાં કચરાની વાત લઇએ તો લગભગ ૩૨૫થી ૩૫૦ ટન જેટલો કચરો દરરોજ થાય છે અને તેને ઉપાડવા માટેની કામગીરી મહાપાલીકાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા કરવામાં આવે છે, નવા-નવા વાહનો જેમ-જેમ આવતા જશે તેમ-તેમ જુના વાહનો પાછા ખેંચીને તેની જગ્યાએ નવા વાહનો મુકી દેવામાં આવશે.
શહેરમાં કેટલાક સ્થળોએ કચરાની ગાડી ચાલી જાય ત્યારબાદ પણ લોકો કચરો ઠાલવતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે, એટલે કે લોકોએ પણ આ બાબતે જાગૃત થવાની જરૂર છે, જાહેરમાં ડસ્ટબીન અને સિલ્વરબીન્સ મુકવામાં આવ્યા છે ત્યારે જામનગર વધુને વધુ સ્વચ્છ બને તે માટે ગઇકાલે મુખ્યમંત્રીએ પણ તેમના પ્રવચનમાં તાકીદ કરી હતી.