અમરેલીના ગીરીયા ગામે બે દિવસ પહેલા પિતાએ 12 વર્ષની પુત્રી સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી. આ ઘટનામાં યુવકના ભાઈની ફરીયાદ અને સ્યુસાઇડ નોટના આધારે અમરેલી તાલુકા પોલીસે મૃતકના પત્ની હેતલબેન મગનભાઇ વેકરીયા, સસરા મગનભાઇ કેશવભાઇ વેકરીયા, સાસુ પ્રભાબેન, સાળો રાકેશ, સબંધ કરાવનાર શૈલેષભાઇ વેકરીયા (રહે તમામ સુરત) મામાજી સસરા રવજીભાઇ સોજીત્રા (રહે-ધરાઈ, બાબરા) સામે પોલીસે આપઘાત કરવા મજબુર કરવા સબબ ગુનો નોંધ્યો છે.
અમરેલીના લાઠી રોડ પર બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા અને અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ બાબુભાઇ રામાણી (ઉ.વ.42)એ ગત તા.22ના પુત્રી રિવા (ઉ.વ.12)ની સાથે ગીરીયા ગામે આવેલી વાડીના કુવામાં કૂદી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતા અમરેલી તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી પિતા-પુત્રીના મૃતદેહને પીએમ માટે અમરેલી ખસેડી તપાસ હઠળ ધરી હતી. પોલીસની તપાસ દરમિયાન મૃતક દીપકભાઈ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં લખ્યું હતું કે, પત્ની હેતલ, તેના પિતા મગનભાઈ, માતા પ્રભાબેન, સાળો રાકેશ, સબંધ કરાવનાર શૈલેષ વેકરીયા અને મામાજી રમેશભાઈ બધા અને મને એટલો હેરાન કર્યો છે કે મારે મરવાની ફરજ પડી છે, સહિતનું લખાણ લખ્યું હતું. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી મૃતકના ભાઈ હિતેષભાઇ બાબુભાઇ રામાણી (રહે-બ્રાહ્મણ સોસાયટી, લાઠી રોડ,અમરેલી)ની ફરિયાદ પરથી પોલીસે પત્ની-સાસરિયા સહીત સાત વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, દીપકભાઈને લગ્ન અગાઉ કેરાળી ગામે થયા હતા પરંતુ લગ્ન જીવન બરાબર ન ચાલતા છૂટાછેડા કર્યા હતા બાદમાં બીજા લગ્ન બાબરાના વલારડી ગામે કાજલબેન વિઠલભાઈ વઘાસીયા સાથે થયા હતા. જેમાં તેને આઠ વર્ષના લગ્ન જીવન દરમિયાન સંતાનમાં બે દીકરીઓ થતા પત્ની કાજલબેને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આથી નાની પુત્રીનેદીપકભાઈની સાળીએ દત્તક લીધી હતી અને મોટી પુત્રી રિવા દીપકભાઈ સાથે રહેતી હતી. જે બાદ દીપકભાઈને લગ્ન સુરત સ્થિત હેતલબેન સાથે થયા હતું પરંતુ લગ્નના બીજા જ દિવસથી હેતલબેન ઘર કંકાસ કરવા લાગ્યા હતા અને 15 દિવસ બાદ તેનાસુરત સ્થિત પિતાના ઘરે રિસામણે ચાલ્યા ગયા હતા ત્યાંથી હેતલબેન સબંધ કરાવનાર રવજીભાઈ પુંજાભાઈ સોજીત્રાને ફોન કરાવતા હતા અને રાવજીભાઈ ફોનમાં ગાળો આપતા હતા. તેમજ દીપકભાઈને સસરા, સાસુ, સાળા સહિતના ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકીઓ આપતા હતા. હેતલબેને અમરેલી અને સુરતમાં ખોટી અરજીઓ પણ કરી હતી અને પોલીસ કાઉન્સિંલિગ માટે બોલાવે ત્યારે આ લોકો અમારે સમાધાન નથી કરવું હેરાન જ કરવા છે તેમ કહેતા હતા.
તા.2-1ના હેતલબેન તેનો ભાઈ રાકેશ અને શૈલેષ વેકરીયા બધા ઘરે આવ્યા હતા અને મારા બા બાપુજી સાથે ઝગડો કરવા લાગ્યા હતા દરમિયાન 112માં ફોન કરતા પોલીસની વાન આવી હતી અને મારા ભાઈને પોલીસ લઈ ગઇહતી. આમ છેલ્લા ચારેક મહિનાથી બધા હેરાન પરેશન કરી માનસિક ત્રાસ આપતા હોવાથી ભાઈએ ભત્રીજીને સાથે લઇ કૂવો પુરી લીધો હતો. પોલીસે ફરિયાદના આધારે ધરપકડની તજવીજ હાથ ધરી છે.