એશિયાટિક સિંહોના વસવાટ સમાન ગીરની સરહદે આવેલા જાફરાબાદ પંથકમાં આજે કાળજું ધ્રુજાવી દે તેવી ઘટના બની છે. નાગેશ્રી ટોલનાકા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને સિંહણને અડફેટે લેતા તેનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ હાઈવે પર વન્યપ્રાણીઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
શું બની સમગ્ર ઘટના?
ગઈકાલે મોડી રાત્રે નાગેશ્રી ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર અંદાજે ૩ થી ૫ વર્ષની સિંહણ રસ્તો ઓળંગી રહી હતી. તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે સિંહણને જોરદાર ટક્કર મારી હતી. વાહનની ટક્કર એટલી ભયાનક હતી કે સિંહણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જીને વાહન ચાલક અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.
વનવિભાગ દોડતું થયું
ઘટનાની જાણ થતા જ વનવિભાગનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
નેશનલ હાઈવે પર રાત્રિ દરમિયાન વાહનોની સ્પીડ મર્યાદિત રાખવા અને વન્યપ્રાણીઓના કોરિડોર પર સાઈનબોર્ડ મૂકવાની વાતો માત્ર કાગળ પર જ હોય તેવું જણાય છે. જાફરાબાદ અને રાજુલા પંથકમાં સિંહોની સંખ્યા વધી રહી છે ત્યારે રેલવે ટ્રેક બાદ હવે હાઈવે પણ સિંહો માટે ઘાતક બની રહ્યો છે.