BREAKING NEWS

અમરેલી સ્વામિનારાયણ મંદિરના સેવકે 4 લાખમાં ટૂરનું નક્કી કરી 76 હજારની ટિકિટ જ મોકલી, હોટેલ સહિતની ફેસિલિટીનું પૂછતાં પેકેજના 8 લાખ માગ્યા

  • December 01, 2025 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીના પ્રૌઢા સાથે અમેરિકા ટુર પેકેજના નામે અમરેલી સ્વામિનારાયણ મંદિરના સેવકે રૂ.2.24 લાખની છેતરપીંડી આચરતા પ્રૌઢાએ અમરેલી સીટી પોલીસમાં વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે. ચાર લાખમાં ટિકિટ ને હોટેલનું બુકીંગ સહિતની ફેસેલિટી આપવાનું નક્કી થયા બાદ માત્ર 76 હજારની આવક જાવકની એર ટિકિટ મોકલી આપી હતી. બાકીની ફેસીલિટીનું પૂછતાં શખ્સે પેકેજના આઠ લાખ આપવા પડશે કહેતા પ્રૌઢાએ બુકીંગ કેન્સલ કરવાનું કહી પૈસા પરત આપવાનું કહેતા આ પૈસા મારા સર્વિસ ચાર્જના છે એ આપીશ નહીં કહી ઠગાઈ કરી હતી.


પ્રાપ્ત વિગત મુજબ અમરેલીમાં નાગનાથ પાસે શિવ કોમ્લેક્સમાં રહેતા અને નિવૃત જીવન જીવતા આશાબેન જ્યંતિભાઈ દવે (ઉ.વ.65)નામના પ્રૌઢાને વર્ષ 2024માં સહેલીઓ સાથે ગ્રુપમાં અમેરિકા જવાનું હોવાથી અમરેલી ગાંધીબાગ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સેવા કરતા કૌશિક ભગવાનજી મિસ્ત્રી જે છ મહિના અમરેલી અને છ મહિના અમેરિકા રહેતા હોવાથી પ્રૌઢા તેને ઓળખતા હોય અને અમેરિકા ટુર વિશે પૂછતાં કૌશિકભાઈએ કહ્યું હતું કે, હું અમેરિકા ટુરમાં લઈ જવાનું કામ કરું છું અને બીજા કરતા ઓછા ભાવે ને સારી ફેસિલિટી આપું છું, રૂ. ચાર લાખમાં ટિકિટ, ટ્રાવેલીંગ અને હોટેલ બુકીંગ થઇ જશે. 


આથી પ્રૌઢાને એપ્રિલ-2025માં અમેરિકા જવાનું હોવાથી કૌશિકને રોકડ અને બેંક એકાઉન્ટ મારફતે ત્રણ લાખ આપ્યા હતા. દરમિયાન કૌશિક અમેરિકા જતો રહ્યો હતો અને ત્યાંથી પ્રૌઢાને વોટ્સએપમાં મુંબઈથી અમેરિકા જવા આવવાની ટિકિટ રૂ.76000ની મોકલી હતી. આથી પ્રૌઢાએ હોટેલના બુકિંગ સહિતની બાબતે પૂછતાં કૌશિકે મેસેજમા જણાવેલ કે, વધુ સુવિધા માટે પેકેજના આઠ લાખ થશે. જે પેકેજ વધુ થતું હોવાથી પ્રૌઢાએ બુકીંગ કેન્સલ કરી એરલાઇન્સની ટિકીટ સિવાયના બાકીના પૈસા 2,24000 પરત આપવાનું કહેતા કૌશિકે આ પૈસા પોતાના સર્વિસ ચાર્જના થયા છે હવે પાછા આપીશ નહીં કહી છેતરપીંડી આચરી હતી. અમરેલી સીટી પોલીસે પ્રૌઢાની ફરિયાદ પરથી કૌશિક ભગવાનજી મિસ્ત્રી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application