જૂના લેખોમાં ઘણીવાર એવી વિગતો સામે આવતી હોય છે જે વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ સાથે સુસંગત જણાતી હોય. 'આજકાલ સાંધ્ય દૈનિક'માં વર્ષ ૨૦૦૬માં પ્રસિદ્ધ થયેલો જયપ્રકાશ માઢકનો લેખ 'અગમના એંધાણ' અત્યારે ફરી ચર્ચામાં આવ્યો છે. આ લેખમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના સંભવિત વિનાશક યુદ્ધ અને વિશ્વના અન્ય દેશો પર તેની અસરો વિશે ચોંકાવનારી આગાહી કરવામાં આવી હતી. જે હબહૂ સાચી ઠરી છે. જયપ્રકાશ માઢક અમરેલી જિલ્લાના લોલીયા ગામના જાણીતા જ્યોતિષી છે.
લેખની મુખ્ય હેડલાઇન જ અત્યંત ગંભીર છે જેમાં લખ્યું હતું કે 'ઈરાન-અમેરિકા વચ્ચે ધમાસાણ યુદ્ધ થશે'. જયપ્રકાશ માઢકની આગાહી મુજબ, આ સંઘર્ષ માત્ર બે દેશો પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ તેની અસરો વૈશ્વિક સ્તરે જોવા મળશે. લેખમાં જણાવ્યા અનુસાર 'એ', 'આઈ' અને 'ઈ' અક્ષરોવાળા દેશો આપસી લડાઈમાં તબાહ થઈ જશે તેવી આગાહી કરવામાં આવી હતી. લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા અણુબોમ્બના હુમલાનો ભોગ બનશે અને આ હુમલામાં અમેરિકાના બે મોટા શહેરોનો નાશ થઈ શકે છે. અણુબોમ્બ અમેરિકાની તકદીર બની ગયો છે તેવા શબ્દો પ્રયોજીને ભવિષ્યના ભયાનક સંકેતો આપવામાં આવ્યા છે.
લેખમાં ૯/૧૧ના હુમલાનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના કર્મોનો હિસાબ શરૂ થઈ ગયો છે અને ૯/૧૧ એ હિસાબનું પહેલું પાનું હતું. જયપ્રકાશ માઢકની દ્રષ્ટિએ, અમેરિકા ભલે ગમે તેટલી તૈયારીઓ કરે, પણ તે અણુ બોમ્બ હુમલાથી બચી શકવાનું નથી. ઈરાન વિશે વાત કરતા લેખમાં જણાવાયું છે કે ગુપ્ત રીતે વિનાશક શસ્ત્રોનું નિર્માણ ઈરાનની તકદીર છે અને તે અમેરિકા સામે જંગનું મેદાન બનશે. આ લેખમાં રજૂ કરવામાં આવેલા વિચારો તે સમયની આગાહીઓ પર આધારિત છે, જે આજના અસ્થિર વૈશ્વિક માહોલમાં વાચકો માટે કુતૂહલનો વિષય બન્યા છે.
જયપ્રકાશ માઢક દ્વારા લિખિત આ લેખ ૧૬ માર્ચ ૨૦૦૬, ગુરુવારના રોજ પ્રસિદ્ધ થયો હતો. 'અગમના એંધાણ' કોલમ હેઠળ તેઓએ ભવિષ્યની ઘટનાઓનું વિશ્લેષણ કર્યું હતું, જે આજે બે દાયકા બાદ પણ ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને જોતા સાચુ ઠર્યું છે.
ભારત માટે આશાનું કિરણઃ જયપ્રકાશ માઢક
જયપ્રકાશ માઢકે ભારતને લઈને મોટી આગાહી કરી છે કે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને જોતા ભારતે પોતાની સરહદો પર અત્યંત સતર્ક અને સાવધ રહેવાની જરૂર છે. પરંતુ એક તરફ વૈશ્વિક અશાંતિ વચ્ચે તેઓએ ભારત માટે આશાનું કિરણ પણ બતાવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, ભવિષ્યમાં ભારતનો સુવર્ણ યુગ શરૂ થશે અને ખરા અર્થમાં ભારત વિશ્વ ગુરૂ તરીકે ઉભરી આવશે.