દેશભરમાં દિવાળીના પર્વની ઉજવણી સામાન્ય ફટાકડા ફોડીને કરવામાં આવે છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે ઉજવાતી પરંપરા સમગ્ર દેશમાં અદ્વિતીય અને આગવી ઓળખ ધરાવે છે. સાવરકુંડલામાં દિવાળીના પર્વ નિમિત્તે છેલ્લા ૧૫૦ વર્ષથી ચાલી આવતી 'ઇંગોરીયા યુદ્ધ' રમવાની પરંપરા આજે પણ એટલા જ જોશ અને ઉત્સાહથી જળવાઈ રહી છે. રાત્રિના અંધારામાં રમાતી આ અનોખી રમત દરમિયાન જાણે કોઈ રણભૂમિ ખેલાતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે, જ્યાં હર્બલ ગણાતા 'ઇંગોરીયા' નામના ફટાકડાઓ એકબીજા પર ફેંકીને યુવાનો નિર્દોષ આનંદ મેળવે છે.
દિવાળીની રાત્રે શહેરના દેવળા ગેટથી લઈને નાવલી નદી સુધીના સમગ્ર વિસ્તારમાં ઇંગોરીયા યુદ્ધનો માહોલ જામે છે. સંત અને શૂરાઓની આ ભૂમિ પર રમાતી આ રમતનો ઉત્સાહ અને રોમાંચ અદ્ભુત હોય છે. આ રમતમાં કોઈપણ પ્રકારના જ્ઞાતિવાદ કે જાતિવાદ વગર હિન્દુ અને મુસ્લિમ સમુદાયના યુવાનો એકસાથે મળીને ઉત્સાહભેર ભાગ લે છે અને કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ અનોખા રોમાંચને નિહાળવા માટે માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દૂર-દૂરથી હજારોની સંખ્યામાં લોકો સાવરકુંડલામાં ઉમટી પડે છે.
સાવરકુંડલાની આ ગૌરવવંતી પરંપરાનો આનંદ માણવા માટે અમરેલીના સાંસદ ભરત સુતરીયા, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ તેમના ધર્મપત્ની સાથે તેમજ ડાંગ જિલ્લાના એસપી પૂજા યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી દરમિયાન નાવલી નદીના પટમાં ભવ્ય ફાયર શો અને આતિશબાજીનું પણ વિશેષ આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન સાંસદ ભરત સુતરીયાએ ઇંગોરીયા યુદ્ધને પ્રેમ અને ભાઈચારાનું પ્રતીક ગણાવ્યું હતું, જ્યારે સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળાએ આ રમતને સાવરકુંડલાના શૌર્ય ઈતિહાસ સાથે જોડીને ગૌરવ વ્યક્ત કર્યું હતું. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પણ રમતમાં જોડાઈ સૌ નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
આગના ગોળા જેવા ઇંગોરીયા એકબીજા પર ફેંકીને રમાતી આ જોખમી અને રોમાંચક રમત શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. દિવાળીની આખી રાત દરમિયાન પોલીસ વિભાગ, ફાયર ફાઈટર અને તબીબી ટીમ (ડોક્ટરોની ટીમ) સતત ઘટનાસ્થળે ખડેપગે તૈનાત રહી હતી. સાવરકુંડલાની આ સાંસ્કૃતિક ઓળખ સમાન પરંપરા નવી પેઢીમાં પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.