રાજ્ય સરકારની મફત સારવારની યોજનાઓ વચ્ચે સરકારી હોસ્પિટલોમાં ચાલતા ભ્રષ્ટાચારનો એસીબી (ACB) એ પર્દાફાશ કર્યો છે. આણંદની જનરલ હોસ્પિટલમાં કરાર આધારિત ફરજ બજાવતા ઓર્થોપેડિક સર્જન ડો. ચિંતન સ્નેહલભાઇ શાહ હોસ્પિટલના ઓપરેશન થિયેટરની બહાર જ લોબીમાં ₹૩,૦૦૦ની લાંચ સ્વીકારતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે.
મફત ઓપરેશન માટે માંગ્યા ₹૬,૫૦૦
આ કેસની ટૂંકી વિગત એવી છે કે, ફરિયાદીના એક પરિચિત/સાહેદના હાથની આંગળીનું ઓપરેશન આણંદની જનરલ હોસ્પિટલ ખાતે કરવાનું હતું. સરકારી નિયમો અનુસાર આ ઓપરેશન તદ્દન વિનામૂલ્યે (મફત) થતું હોય છે, પરંતુ ડો. ચિંતન શાહે આ ઓપરેશન કરવાના અવેજ પેટે ફરિયાદીના મિત્ર પાસે શરૂઆતમાં ₹૬,૫૦૦ની લાંચ માંગી હતી. ફરિયાદીએ ડોક્ટર સાથે રકઝક કરતા અંતે ₹૪,૦૦૦ નક્કી થયા હતા. જેમાંથી ₹૧,૦૦૦ ડોક્ટરે અગાઉ જ મેળવી લીધા હતા. બાકી બચેલા ₹૩,૦૦૦ આપવા માટે ડોક્ટર દબાણ કરી રહ્યા હતા, પરંતુ ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ઓપરેશન થિયેટરની લોબીમાં જ એસીબી ત્રાટકી
ફરિયાદના આધારે આણંદ એસીબીની ટીમે આજે એટલે કે ૧૯ મે ૨૦૨૬ ના રોજ હોસ્પિટલના પ્રથમ માળે આવેલા ઓપરેશન થિયેટર રૂમની બહાર લોબીમાં જ લાંચનું છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન ડો. ચિંતન શાહે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના બાકીના ₹૩,૦૦૦ સ્વીકાર્યા હતા. ડોક્ટરે પૈસા હાથમાં લેતા જ એસીબીના અધિકારીઓએ ત્રાટકીને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી હતી અને આરોપી તબીબને સ્થળ પર જ દબોચી લીધો હતો.