રાજકોટ ગ્રામ્યના ધોરાજી પંથકમાં પૈસાની લેતીદેતીના મામલે એક આંગડિયા પેઢીના માલિક દ્વારા ૨૨ વર્ષીય યુવકની સરેઆમ કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં સનસનાટી મચી ગઈ છે. જૂની અદાવત અને નાણાકીય વ્યવહારમાં થયેલી ઉગ્ર બોલાચાલીનો અંત લોહીયાળ સાબિત થયો છે. ધોરાજી પોલીસે આ મામલે પોરબંદરની આંગડિયા પેઢીના માલિક સહિતના શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
રૂ. ૩.૭૦ લાખની ઉઘરાણી બની કાળમુખી
ઘટનાની વિગત મુજબ, ધોરાજીના ગણેશનગર વિસ્તારમાં રહેતા અને શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા પરેશભાઈ (ઉર્ફે કુંદનભાઈ) બારૈયાએ જેતપુર રોડ પર આવેલી પી.આર. આંગડિયા પેઢી મારફતે નાણાકીય વ્યવહાર કર્યો હતો. આ વ્યવહારમાં આશરે રૂ. ૩,૭૦,૦૦૦/- બાકી નીકળતા હતા. આ રકમ પરત આપવા બાબતે પરેશભાઈને પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવા (રહે. પોરબંદર) સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને ભગીરથસિંહે ફોન પર જ પરેશભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
હાઈવે પર આંતરીને કર્યો જીવલેણ હુમલો
ગત શનિવારે સાંજે અંદાજે ૭:૦૦ વાગ્યાના સુમારે, જ્યારે પરેશભાઈનો દીકરો વિવેક ધોરાજી-પોરબંદર નેશનલ હાઈવે પર ITI સામે વોકિંગ કરી રહ્યો હતો, ત્યારે આરોપી ભગીરથસિંહ જેઠવા અને મહીદીપસિંહ જેઠવા અન્ય બે શખ્સો સાથે પોતાની બ્રેઝા કાર લઈને ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ વિવેકને રોકી તેની પાસે બુલેટની ચાવી અને મોબાઈલ માંગતા જોરદાર ઝઘડો શરૂ થયો હતો.
આ દરમિયાન પરેશભાઈનો ભત્રીજો હિમાલય હરેશભાઈ બારૈયા (ઉ.વ. ૨૨) ત્યાં દોડી આવ્યો હતો. પોતાના ભાઈને બચાવવા વચ્ચે પડેલા હિમાલય પર આરોપીઓ તૂટી પડ્યા હતા. ઉશ્કેરાયેલા ભગીરથસિંહે કારમાંથી લોખંડનો કુહાડો કાઢી હિમાલયના ગળાના ભાગે જોરદાર ઝીંકી દીધો હતો, જ્યારે મહીદીપસિંહે લાકડી વડે હુમલો કર્યો હતો. ગળાના ભાગે ગંભીર ઈજા થતા હિમાલય લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.
હોસ્પિટલમાં દમ તોડ્યો, પરિવારમાં માતમ
ઈજાગ્રસ્ત હિમાલયને તાત્કાલિક ધોરાજી અને ત્યારબાદ ગંભીર હાલતમાં જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, કમનસીબે ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ બારૈયા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
પોલીસ કાર્યવાહી અને કાયદાકીય કલમો
આ ચકચારી હત્યા કેસમાં ધોરાજી તાલુકા પોલીસે પીઆઈ જે.પી. ગોસાઈના માર્ગદર્શન હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની નીચે મુજબની કલમો હેઠળ કાર્યવાહી કરી છે:
કલમ ૧૦૩(૧): હત્યા
કલમ ૩૫૧(૩): ગુનાહિત ધમકી
કલમ ૩૫૨: શાંતિ ભંગ કરવાના ઈરાદે અપમાન
હાલ પોલીસની અલગ-અલગ ટીમો ફરાર આરોપી ભગીરથસિંહ જેઠવા અને મહીદીપસિંહ સહિતના શખ્સોને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસ ચલાવી રહી છે. આ ઘટનાએ ધોરાજીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉભા કર્યા છે.