BREAKING NEWS

જામનગર : કાલાવડ પંથકમાં કરોડોના ફુલેકા પ્રકરણમાં વધુ એક ફરીયાદ

  • February 11, 2026 06:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની ૯૬.૯૭ લાખની ખેત પેદાશોની ખરીદી કરી નાણાં ચૂકવ્યા વિના રફુચક્કર થઈ જનાર શખ્સ ને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો છે, અને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ પર લીધો છે. દરમ્યાનમાં ગઇકાલે આરોપી સામે ૨૬.૩૪ લાખની ખેડુતો સાથે છેતરપીંડી કર્યાની વધુ એક ફરીયાદ દાખલ થઇ છે.


કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં રહીને ખેતી કામ કરતા ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠીયાએ ગત ૩.૨.૨૦૨૬ ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ કરી ને જણાવ્યું હતું, કે પોતાની તથા અન્ય ૧૭ ખેડૂતોની આશરે  ૯૬,૯૭,૬૦૧ જેટલી રકમની જુદી જુદી ખેત પેદાશો મેળવી લઈ નાણાં નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે કાલાવડના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા દિલીપ નારદભાઈ સાવલિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ખેડૂત કુલદીપભાઈ કોઠીયા પાસેથી આરોપી દિલીપ સાવલિયાએ મગફળી તથા તલ વગેરેનો જથ્થો ખરીદ કર્યો હતો, ઉપરાંત સફેદ ચણા સહિતની અન્ય ખેતપેદાશો ની કાલાવડના ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૮ ખેડૂતો પાસેથી ખરીદી કરી હતી. કુલ ૯૬,૯૭,૬૦૧ જેટલી માતબર રકમની જુદી જુદી ખેતપેદાશોની ખરીદી કરી લીધા બાદ આરોપી દિલીપ સાવલિયાએ નાણાં નહીં ચૂકવી હાથ ખંખેરી લેતાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઇ એન.વી. આંબલીયા અને તેઓની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી લઈ આરોપી દિલીપ સાવલિયાની ધરપકડ કરી વધુ પુછપરછ માટે રીમાન્ડ પર લેવામાં આવ્યો છે. દરમ્યાનમાં વધુ એક મામલો પોલીસમાં પહોચ્યો છે.


જેની વિગત મુજબ જામનગર તાબેના બજરંગપુર ગામમાં રહેતા ખેડુત ભુપત પોલાભાઇ ભંડેરી (ઉ.વ.૬૫)એ પંચ-એમાં કાલાવડના કુંભનાથપરાના દિલીપ નારદ સાવલીયાની વિરુઘ્ધ છેતરપીંડી કર્યાની ગઇકાલે ફરીયાદ નોંધાવી હતી ફરીયાદી ભુપતભાઇ તથા અન્ય ખેડુતોના ખેતપેદાશના માલની આરોપી દિલીપે ખરીદી કરી હતી.
​​​​​​​

માલ લઇ જઇને પૈસા આપવાનો વિશ્ર્વાસ દીધો હતો, જો કે પૈસા પરત આપ્યા ન હતા ગત તા. ૧-૧-૨૬થી આશરે એક મહીના પહેલા ફરીયાદી અને અન્ય ખેડુતની ખેતપેદાશ જેમાં કુલ ૧૭૯૨ મણ મગફળી જેની કિ. ૨૨.૪૫ લાખ તથા ૧૩૬ મણ તલ જેની કિ. ૩.૮૮.૮૬૦ મળી કુલ ૨૬.૩૪.૩૬૨ની ખેડુતો સાથે છેતરપીંડી કરીને આરોપીએ હાથ ઉંચા કરી દીધા હતા. આમ કાલાવડના ખેડુતોની જણસોના પૈસા ચાંઉ કરી જવાના આ પ્રકરણમાં અન્ય ભોગ બનનાર ખેડુતો આગળ આવ્યા છે અને કૌભાંડનો આંક એક કરોડને આંબી ગયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application