જામનગરની શાન સમાન ટાઉનહોલનું મહાનગરપાલીકા દ્વારા રૂ.૭ કરોડના ખર્ચે રીનોવેશન કરાયું છે. પરંતુ આ ટાઉનહોલમાં જનરેટર નહીં હોવાનો ધડાકો થતા ભારે ચકચાર સાથે ખળભળાટ મચી ગયો છે. તા.૨૪ ડીસેમ્બરના ટાઉનહોલમાં યોજાયેલા સંગીતના કાર્યક્રમમાં ૧૫ મીનીટર સુધી વીજળી ગુલ થયા બાદ આ રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. રીનોવેશન શરૂ થતા જે જનરેટર હતું તે મનપામાં ખસેડાયામાં આવ્યા બાદ બે વર્ષના વ્હાણા વીતી જવા છતાં જનરેટર ન આવતા કાર્યક્રમના આયોજકો અને દર્શકો હેરાન-પરેશાનની સાથે ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે ટાઉનહોલમાં પહેલા ૪ કરોડ અને પાછળથી વધુ ૩ કરોડનો ખર્ચ મંજૂર કરાતા ભારે વિવાદ થયો હતો અને આ સમગ્ર કામગીરી શંકાના દાયરામાં આવી હતી તે રીતે આટલા જંગી ખર્ચ બાદ પણ જનરેટરની સુવિધા આપવામાં ન આવતા આ મુદે વધુ એક વિવાદની શકયતા નકારી શકાતી નથી.
જામનગરની મઘ્યમાં આવેલા ટાઉનહોલનું મહાનગરપાલીકા દ્વારા અધધ રૂ.૭ કરોડના ખર્ચે રીનોવેશન એટલે કે નવીનીકરણ કરવામાં આવ્યું છે. નવાઇની વાત તો એ છે કે, ટાઉનહોલના નવીનીકરણનો ઠરાવ મનપાની સ્ટેન્ડીંગ કમીટીમાં જે તે સમયે કરવામાં આવ્યો હતો ત્યારે રૂ.૪ કરોડનું અંદાજીત ખર્ચ મંજૂર કરાયું હતું. પરંતુ એવું તો શું થયું કે ટાઉનહોલના નવીનીકરણમાં વધારાનો ૩ કરોડનો ખર્ચ પાછલા બારણેથી મંજૂર કરી દેવામાં આવ્યો હતો. આથી ટાઉનહોલના નવીનીકરણમાં રૂ.૭ કરોડનો જંગી ખર્ચ થતાં આટલા ખર્ચમાંતો ટાઉનહોલ આખો નવી બની જાય તેવી ચર્ચા શહેરીજનોમાં ઉઠી હતી. આટલું આ જંગી ખર્ચ મુદે ભારે વિવાદ થતા ટાઉનહોલની સમગ્ર રીનોવેશન કામગીરી શંકાના દાયરામાં આવી હતી. પરંતુ કોઇપણ પ્રકારની તપાસ કર્યા વીના આ જંગી ખર્ચના વિવાદ પ્રકરણ પર રંગમંચના પડદાની જેમ મનપા દ્વારા પડદો પાડી દેવાતા જંગી ખર્ચનું રહસ્ય આજે પણ અકબંધ છે.
આ સ્થિતિમાં ટાઉનહોલમાં સુવિધાના નામે કેવી લાલિયાવાડી અને અંધાધૂંધી પ્રર્વતી રહી છેે તેનો વધુ એક ધડાકો થયો છે. તાજેતરમાં એટલે કે તા.૨૪ ડીસેમ્બરના ટાઉનહોલમાં રાત્રીના સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આજકાલના પત્રકાર પણ હાજર રહ્યા હતાં. કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક વીજળી ગુલ થઇ ગઇ હતી. આથી આયોજકોએ ફરજ પરના ટાઉનહોલના કર્મચારીઓને જનરેટર ચાલુ કરવા જણાવ્યું હતું. પરંતુ કર્મચારીઓએ ટાઉનહોલમાં જનરેટર નહીં હોવાનો ચોંકાવનારો ઘડાકો કરતા આયોજકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. આથી ૧૫ થી ૨૦ મીનીટ સુધી કાર્યક્રમ ઠપ્પ થઇ ગયો હતો. આટલું જ નહીં ટાઉનહોલમાં જનરેટરની સુવિધા ન હોય આખરે વીસેક મીનીટ પછી વીજ પુરવઠો પૂર્વવત થતા કાર્યક્રમ પુન: શરૂ થયો હતો. આથી આયોજકો અને દર્શકોએ હાશકારો અનુભવ્યો હતો.
સૌથી વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે, ટાઉનહોલનું રીનોવેશન શરૂ થયું તે પૂર્વે જનરેટર હતું. પરંતુ રીનોવેશન કામગીરી શરૂ થતાં જ આ જનરેટર મહાનગપાલીકાની ઇમારતમાં સ્થાળાતંર કરવામાં આવ્યાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ ટાઉનહોલનું રીનોવેશન પૂર્ણ થયા બાદ ખુલ્લો મૂકાયાને પણ ઘણો સમય થવા છતાં હજુ સુધી ટાઉનહોલમાં જનરેટરની સુવિધા મનપા દ્રારા કરવામાં ન આવતા કાર્યક્રમ દરમ્યાન વીજળી ગુલ થતા પારાવાર હાલાકીથી આયોજકો અને દર્શકોમાં પ્રચંડ આક્રોશની લાગણી ફેલાઇ છે. આટલું ઓછું હોય તેમ જનરેટર મૂકવા માટે સ્ટેન્ડ બનાવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી જનરેટર આવ્યું નથી. આ સ્થળે હાલ પાણીના કેરબા સહીતની વસ્તુ રાખવામાં આવી રહી છે. એક, બે નહીં અધધ..રૂ.૭ કરોડના ખર્ચે ટાઉનહોલનું રીનોવેશન કરવામાં આવ્યું છે. ત્યારે શું મહાનગરપાલીકાના જવાબદારોને નવનિર્મિત ટાઉનહોલ ખુલ્લો મૂકાયો તે સમયે જનરેટરની સુવિધા હોવી જોઇએ તેનું જ્ઞાન ન હતું કે ઇરાદાપૂર્વક આંખ આડા કાન કરવામાં આવ્યા છે તે સવાલ તપાસનો વિષય બન્યો છે.
આટલું જ નહીં ટાઉનહોલના રીનોવેશન સમયે જુનું જનરેટર હતું તે ખસેડવાનું જ્ઞાન મનપાના જવાબદારો હતું તો નવનિર્મિત ટાઉનહોલ ખુલ્લો મૂકાય ત્યારે જ નવું જનરેટર મૂકવાની ખબર કેમ ન પડી તે સવાલ પણ અનેક શંકા ઉપજાવે છે. બીજી બાજુ ટાઉનહોલની સમારકામ પાછળ કરવામાં આવેલો કરોડનો તોતીંગ ખર્ચ મુદે ભારે વિવાદ થયો હતો ત્યારે લાંબા સમય બાદ પણ ટાઉનહોલમાં જનરેટર મૂકવામાં ન આવતા આયોજકો અને દર્શકોને પડતી પારાવાર હાલાકીથી ખર્ચની જેમ જનરેટરની સુવિધાનો મુદો પણ વધુ એક વખત ભારે વિવાદાસ્પદ બનવાની શકયતા નકારી શકાતી નથી.
બે લાઇનની બાદબાકીથી બેઠક ક્ષમતા ઘટતા બેવડો માર, વચ્ચેનો રસ્તો બંધ કરાતા સીનીયર સીટીઝનો ત્રાહીમામ
શહેરની શાન સમાન ટાઉનહોલનું જંગી ખર્ચે નવીનીકરણ કરાયું છે. ત્યારે તેમાં એસ અને ટી બે લાઇનની મનપાએ બાદબાકી કરતા એટલે કે કાપી નાખી છે. સામે ભાડામાં તોતીંગ વધારો કર્યો છે. આથી બેઠક ઘટતા દર્શકો ઓછા આવી શકે છે. સામે કમરતોડ ભાડાથી આયોજકોને બેવડો માર પડી રહ્યો છે. આટલું જ નહીં નવનિર્મિત ટાઉનહોલમાં બેઠક વ્યવસ્થામાં વચ્ચેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. કાર્યક્રમોમાં મહદઅંશે ૪૦ થી વધુ ઉમરના અને સીનીયર સીટીઝનો દર્શકો તરીકે આવે છે. ત્યારે ડાયાબીટીસના દર્દીઓ તથા સીનીયર સીટીઝનોને શૌચક્રીયા માટે ટાઉનહોલમાં અંદર ફરીને બહાર નીકળવું પડતા ત્રાહીમામ પોકારી ગયા છે. આટલું જ નહીં આ સળગતી સમસ્યાથી અમુક સીનીયર સીટીઝનોને ટાઉનહોલમાં કાર્યક્રમમાં આવવાનું બંધ કર્યું છે. ત્યારે દર્શકોની સુવિધાને બદલે દુવિધા વધારતી સોનાની થાળીમાં લોઢની મેખ સમાન આ અણધડ વ્યવસ્થા પાછળ કોણ જવાબદાર છે તે તપાસનો વિષય બન્યો છે.
ટાઉનહોલની અધધ..રૂ.૫૦૦૦૦ ડીપોઝીટ અને રૂ.૨૫૦૦૦ ભાડું, અન્ય ખર્ચા તો લટકામાં છતાં સુવિધાનો અભાવ
ટાઉનહોલના નવીનીકરણ બાદ મનપા દ્વારા ભાડામાં તોતીંગ વધારો ઝીંકવામાં આવતા કાર્યક્રમોનું પ્રમાણ ઘટયું છે. ટાઉનહોલના રીનોવેશન બાદ ઓડીટોરીયમની ડીપોઝીટની રકમ રૂ.૫૦૦૦૦ રાખવામાં આવી છે. જયારે ભાડું રૂ.૨૫૦૦૦ રાખવામાં આવ્યું છે. આજ રીતે મેરેજ ફંકશન માટે સેલરની ડીપોઝીટ રૂ.૨૦૦૦૦ અને ભાડું રૂ.૧૦૦૦૦, વ્યસાયીક હેતુ માટે ડીપોઝીટની રકમ રૂ.૩૦૦૦૦ અને ભાડું રૂ.૧૫૦૦૦ તથા ગ્રાઉન્ડની ડીપોઝીટની રકમ રૂ.૮૦૦૦૦ અને ભાડું રૂ. ૪૦૦૦૦ રાખવામાં આવ્યું છે. જયારે આ ઉપરાંત અન્ય ખર્ચ તો લટકામાં છે. જેમાં લાઇટ બીલ રૂ.૫૨ પ્રતિ યુનિટ, સફાઇ ચાર્જ ઓડીટોરીયમ-સેલર માટે રૂ.૧૦૦૦ વસૂલવામાં આવે છે. જયારે સફાઇ ચાર્જ ગ્રાઉન્ડ માટે રૂ.૨૦૦૦ વસૂલવામાં આવે છે. તદઉપરાંત કુલ બીલ પર ૧૦ ટકા વહીવટી ચાર્જ અને ફકત ભાડા ઉપર ૧૮ ટકા જીએસટી વસૂલામાં આવે છે. આટલા તોતીંગ ભાડા, ડીપોઝીટ અને અન્ય ખર્ચા મનપા વસૂલતી હોય છતાં ટાઉનહોલમાં જનરેટરની સુવિધા ન હોય આશ્ર્ચર્યની સાથે મનપાની કાર્યપ્રણાલી વધુ એક વખત શંકાના દાયરામાં આવી છે.
સોનાની થાળીમાં લોઢાની મેખ, ટાઉનહોલની ફરતે ઉભરાતી ગટર, કરોડનો ખર્ચ પાણીમાં..
શહેરમાં ટાઉનહોલનું કરોડોના ખર્ચે રીનોવેશન કરાયું છે. પરંતુ આજની તારીખે ટાઉનહોલની ફરતે આવેલી ગટરો છાશવારે ઉભરાઇ રહી છે. આથી ટાઉનહોલના પ્રવેશદ્વાર અને ફરતે ગંદા પાણીની રેલમછેલથી સોનાની થાળીમાં લોઢાની મેખ જોવા મળી રહી છે અને શહેરની આબરૂને બટ્ટો લાગી રહ્યો છે. આમ છતાં મનપાના જવાબદારો ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને બેઠા હોય કરોડોનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. શહેરમાં આમ તો ભૂગર્ભ ગટરની કામગીરી ચોમેર ચાલી રહી છે. ત્યારે ટાઉનહોલની ફરતે આવેલી ગટર કે જે ઉભરાઇ છે તે કાયમી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી તે પણ એક સળગતો સવાલની સાથે તપાસનો વિષય બન્યો છે.