ગઈકાલે અમરેલી દામનગર લીલીયા સહિતના અનેક ગામોમાં સામાન્ય વરસાદ પડ્યા પછી હવે આજે અને આવતીકાલે બે દિવસ માટે ગુજરાતમાં માવઠાની શક્યતા નથી પરંતુ તારીખ 2 એપ્રિલને ગુરુવારથી ફરી બે દિવસ માટે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે તેવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ બબ્બે સક્રિય વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અને તારીખ 2 ના રોજ સમગ્ર પશ્ચિમ ભારતને અસર કરે તેવું એક પ્રભાવશાળી વેસ્ટરન ડિસ્ટર્બન્સ ઉદ્ભવશે અને તેના કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં વીજળીના ચમકારા અને તોફાની પવન સાથે વરસાદ પડશે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં પ્રતિ કલાકના 30 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને અમુક તબક્કે તેમની ઝડપ વધીને 60 કિલોમીટર આસપાસ પહોંચી જશે.
રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું હતું અને આકાશમાં લોઅર લેવલે ભેજવાળા વાદળો જોવા મળ્યા હતા વેરાવળમાં આજે સવારે ભેજનું પ્રમાણ ૯૦ ટકા થઈ ગયું હતું અને તેના કારણે ઝાકળ જોવા મળી હતી. પોરબંદરમાં 70 રાજકોટમાં 81 સુરતમાં 80% ભેજ આજે સવારે નોંધાયો છે. મહત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને હજુ આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થશે તેમ હવામાન ખાતાની આગાહીમાં જણાવ્યું છે. જોકે અમદાવાદ રાજકોટ સુરત જેવા શહેરોમાં હજુ પણ મહત્તમ તાપમાન 37 ડિગ્રી આસપાસ છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ જમ્મુ કશ્મીર લદાખ સહિતના રાજ્યોમાં વરસાદની સાથો સાથ હિમવર્ષા ની પણ ચેતવણી આપવામાં આવી છે. પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને ઉતરાખંડમાં ભારે વરસાદ માટેનું એલર્ટ આપવામાં આવ્યું છે. નોર્થ ઈસ્ટના અને દક્ષિણના રાજ્યોમાં પણ વરસાદ માટેની ચેતવણી આપવામાં આવી છે. મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં પણ અનેક જગ્યાએ આગામી તારીખ ત્રણ સુધી ભારે વરસાદ માટેની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.