BREAKING NEWS

હું આ એરિયાનો ડોન... રાજકોટમાં લુખ્ખાઓએ ધોકા-બેટથી યુવાનને બેફામ ફટકાર્યો

  • November 17, 2025 09:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળીને ખાડે ગઈ હોય તેમ રોજબરોજ એકાદ-બે મારામારીની ઘટના બનતી જ હોય છે. લુખ્ખાઓ બેફામ બન્યા છે અને લોકોને રંજાડી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોડી સાંજે સીનર્જી હોસ્પિટલ પાસે ધંધાકીય હરીફાઇને કારણે યુવાન પર અસામાજિક તત્વોએ ધોકા અને બેટ સાથે તૂટી પડ્યા હતા. જેમાં યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.


હિચકારો હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ

મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજે યુવાનને અયોધ્યા ચોકમાં સીનર્જી હોસ્પિટલ પાસે બોલાવ્યા બાદ ધંધાકીય ખારને કારણે 10થી 12 શખ્સ સરાજાહેર બેઝબોલના ધોકા અને બેટ સાથે તૂટી પડ્યા હતા અને યુવાન પર હિચકારો હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.


10થી 12 શખ્સ પેટ પર બેસી યુવાનને બેફામ ફટકાર્યો

ઇજાગ્રસ્ત યુવાનને પરિવારજનોએ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધવા અને ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના નાણાવટી ચોકમાં રુક્મિણી પાર્કમાં સિદ્ધિવિનાયક ખાતે રહેતા પાર્થ નીતિનભાઇ ફિચડિયા નામના 23 વર્ષના યુવાનને મયૂર બારોટ નામના શખ્સે અયોધ્યા ચોકમાં સીનર્જી હોસ્પિટલ ખાતે મળવા બોલાવ્યો હતો અને ત્યારબાદ 10થી 12 શખ્સ તેના પેટ પર બેસીને બેઝબોલના ધોકા અને બેટ સાથે તૂટી પડ્યા હતા.


હું આ એરિયાનું ડોન છું તેવી ધમકી આપતો

ઇજાગ્રસ્ત યુવાનના પિતા નીતિનભાઇ રમણીકલાલ ફિચડિયાએ જણાવ્યું હતું કે, અમારો પુત્ર અગાઉ મોબાઇલની દુકાનમાં કામ કરતો હતો ત્યારે મયૂર બારોટનો છોકરો તેને ધંધો કરવા માટે પોતાની સાથે લઇ ગયો હતો અને બન્ને રેતીનો ધંધો સાથે કરતા હતા. ત્યારબાદ મયૂર બારોટના છોકરાએ રેતીનો ધંધો કરવાની ના પાડી પાર્થને તેના પિતા સાથે ધંધો કરવા કહ્યું હતું. જેની પાર્થે ના પાડતા છેલ્લા દોઢેક વર્ષથી માથાકૂટ ચાલતી હતી અને મયૂર બારોટ અવારનવાર ‘તારા છોકરાને ધંધો નહીં કરવા દઉં, તેના ટાંટિયા ભાંગી નાખીશ’ તેવી ધમકી આપતો હતો અને આજે તેણે મારા છોકરાના ટાટિયા ભાંગી નાખ્યા છે. અમારા વિસ્તારમાં ગાડી લઇને નીકળી ભય ફેલાવતો હતો અને આજે બોલાવીને સરાજાહેર તેના પર હુમલો કર્યો હતો. હું આ એરિયાનું ડોન છું તેવી ધમકી આપતો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application