રાજકોટ શહેરમાં આવારા અને અસામાજિક તત્વોની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. કટારીયા ચોકડી પાસે આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં અસામાજિક તત્વોએ ભારે આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ૪ થી ૫ લુખ્ખા તત્વો ધોકા અને લોખંડના પાઇપ લઈને સોસાયટીમાં ઘુસી આવ્યા હતા અને રહેવાસીઓ સાથે મારામારી કરી હતી. આ તત્વોએ છૂટ્ટા પથ્થરો ફેંકી લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
અચાનક બનેલી આ ઘટનાથી સોસાયટીના રહેવાસીઓમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઘટનાના સમગ્ર દ્રશ્યો સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે, જે હવે સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે અસામાજિક તત્વો ખુલ્લેઆમ હિંસા આચરી રહ્યા છે.
લુખ્ખાઓએ પોલીસને પડકાર ફેંક્યો
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી છે. સ્થાનિક રહેવાસીઓએ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાજકોટમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ માટે આ ઘટના પડકારરૂપ બની છે.