રાજકોટ શહેરમાં નામચીન પેંડા અને મૂરધા ગેંગ વચ્ચે ધાણીફૂટ સામસામે ફાયરિંગ બાદ બંને ગેંગ સામે ગુનો નોંધાયા બાદ ફાયરિંગના ગુનામાં સંડોવાયેલા મુરઘા ગેગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘા સહિતની ત્રિપુટીની ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવાએ સમાજ સુધારક યંત્ર દ્વારા સરભરા કરી મુરઘા ગેંગના કુકડાઓને ભાંભરડા નખાવ્યા બાદ સમીર ઉર્ફે મુરઘા અને સોહીલ ચાનિયાને એસઓજી બ્રાન્ચે ઘટના સ્થળે લઈ જઈ રીકન્ટ્રક્શન કરાવ્યું હતું.

ચાનિયાને ગઈકાલે રાજકોટમાંથી ઝડપી લીધો હતો
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે આડેધડ સામસામા ફાયરિંગના બનાવ બાદ એ ડિવિઝનમાં ગુનો દાખલ કરી પેંડાગેંગ અને મુરઘા ગેંગના ભાગતા ફરતા આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ મુખ્ય સૂત્રધાર મુરઘા ગેંગના સમીર ઉર્ફે મુરઘા, શાહનવાજ અબ્દુલ્લા ધાડા, અને સોહીલ ચાનિયાને ગઈકાલે રાજકોટમાંથી ઝડપી લીધા બાદ ધરપકડ કરવામાં આવી હતી.

મંગળા રોડ પર લઈ જઈ રીકન્ટ્રક્શન કરાવાયું
ઝડપાયેલા આરોપીઓને પોલીસની સ્ટાઇલમાં ખુદ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા એ ટ્રીટમેન્ટ આપી મુરઘાઓને કાયદાનું ભાન કરાવ્યું હતું ત્યારબાદ ઝડપાયેલ ત્રિપુટી પૈકી શાહનવાજને વધુ તપાસ અર્થે લઈ જવામાં આવ્યો હતો જ્યારે સમીર ઉર્ફે મુરઘા અને સોહીલ ચાનિયાને એસ.ઓ.જી બ્રાન્ચના પીઆઇ સંજય સિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા ડીજી ઝાલા, રાજેશ બાળા સહિતની ટીમે ઘટના સ્થળે મંગળા રોડ પર લઈ જઈ રીકન્ટ્રક્શન કરાવાયું હતું.

જુદી જુદી ટીમો રાત દિવસ એક કરી રહી હતી
આ ફાયરિંગ અને ગુજસીટોક પ્રકરણ અંગે પોલીસ કમિશનર દ્વારા એસઆઇટીની રચના કરી ડીસીપી જગદીશ બાંગરવાની આગેવાનીમાં એસીપી ક્રાઈમ બી બી બસીયાને તપાસ સોપવામાં આવ્યા બાદ આ પ્રકરણમાં મુરઘા ગેંગના ભૂગર્ભમાં ઊતરી ગયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમો રાત દિવસ એક કરી રહી હતી.
