રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિત રાજ્યભરની મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનરોની એડિશનલ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ગઇકાલે ગાંધીનગર ખાતે મળેલી મિટિંગ અંતર્ગત સ્થળ ઉપર જ આ ઓર્ડરની બજવણી કરવામાં આવી હતી. મતદાર યાદી સહિતની કામગીરીમાં પણ હવે જિલ્લા કલેક્ટર સાથે જોડાઇ મ્યુનિસિપલ કમિશનરે પણ ફરજ બજાવવાની રહેશે તેમ જાણવા મળે છે.
રાજ્યમાં મહાપાલિકાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે આગામી દિવસોમાં મનપાની ચૂંટણી ડિસેમ્બરથી માર્ચ સુધીના સમય દરમિયાન ગમે ત્યારે યોજાનાર છે તે પૂર્વે હાલથી ઇલેક્શન મોડમાં કામગીરી શરૂ કરાઇ છે. સૌપ્રથમ મેયરપદના રિઝર્વેશન અંગેનું નોટિફિકેશન આવ્યું ત્યારબાદ મહાનગરોમાં વોર્ડવાઇઝ અનામત અંગેનું રાજ્ય ચુંટણી આયોગનો હુકમ જારી થયો અને હવે મ્યુનિસિપલ કમિશનરને એડિશનલ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્તિનો હુકમ થયો છે.
મહત્વપૂર્ણ છે કે હાલ સુધી મહાપાલિકાની ચૂંટણીઓમાં મ્યુનિસિપલ કમિશનરની કોઇ પ્રત્યક્ષ પ્રભાવક ભૂમિકા રહેતી ન હતી અને સમગ્ર કામગીરી જિલ્લા કલેક્ટર હસ્તક જ રહેતી હતી પરંતુ ઉપરોક્ત હુકમથી હવે મ્યુનિસિપલ કમિશનરની પણ મતદાર યાદી સહિત ચૂંટણી લક્ષી તમામ બાબતોમાં અસરકારક ભૂમિકા રહેશે તેમ જણાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર સહિતની જુની છ મહાપાલિકા અને નવી રચાયેલી મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, આણંદ, નવસારી, ગાંધીધામ, નડિયાદ, મહેસાણા અને વાપી સહિતની નવ મળીને કુલ ૧૫ મહાપાલિકાની ચૂંટણી યોજાનાર છે.
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં પણ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તા.૨૭ ઓક્ટોબરથી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાની સમીક્ષા કરવા કેન્દ્રીય ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદ કુમારે ગાંધીનગર ખાતેથી બેઠક યોજી હતી. જેમાં કલેકટરો અને મ્યુનિ.કમિશ્નરો હાજર રહ્યા હતા. રાજ્યની આઠ મહાપાલિકાના કમિશ્નરોને સ્પેશ્યલ એડીશનલ ડિસ્ટ્રીકટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.
મ્યુનિ. કમિશનરો દ્વારા તેમના તાબા હેઠળના સ્ટાફને પણ મતદારોની મદદ માટે મૂકવામાં આવશે. વધુમાં, ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મતદાર નોંધણી અધિકારી તેમજ બુથ લેવલ ઑફિસર્સ દ્વારા એસ.આઈ.આર અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી.પટેલ સહિત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરોને ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદ કુમાર દ્વારા મતદાન નોંધણી અધિકારીઓ અને બુથ લેવલ ઓફિસર કઈ રીતે એસ.આઈ.આર દરમિયાન તમામ મતદારો સુધી પહોંચી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કઈ રીતે સહાયકતા કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવા સાથે મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.