BREAKING NEWS

મૌની રોય સાથે ડેટિંગના અહેવાલો પર અર્જુન બિજલાનીનો આક્રોશ

  • July 17, 2026 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટીવી જગતના લોકપ્રિય કલાકારો મૌની રોય અને અર્જુન બિજલાનીના અફેરને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી હતી. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ વહેતી થઈ હતી કે સુરજ નાંબિયાર સાથે છૂટાછેડા લીધા બાદ મૌની રોય તેના જૂના મિત્ર અને કો-સ્ટાર અર્જુન બિજલાનીને ગુપ્ત રીતે ડેટ કરી રહી છે. આ અફવાઓ પર હવે ખુદ અર્જુન બિજલાનીએ મૌન તોડ્યું છે અને ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને અફવા ફેલાવનારાઓ પર આક્રોશ વ્યક્ત કર્યો છે.

સમગ્ર વિવાદની શરૂઆત એક પેપરાજી પેજની સોશિયલ મીડિયા પોસ્ટથી થઈ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મૌની રોય પોતાના છૂટાછેડા પછી અર્જુન બિજલાનીની નજીક આવી ગઈ છે અને બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ પોસ્ટ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. બંનેના ચાહકો આ સમાચાર સાંભળીને ચોંકી ગયા હતા.


આ અફવા સામે આવતાની સાથે જ એકતા કપૂરના સુપરહિટ શો 'નાગિન'માં તેમની સાથે કામ કરી ચૂકેલી ટીવી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝાએ તરત જ પ્રતિક્રિયા આપી હતી. ક્રિસ્ટલે આવી વાહિયાત વાતો ફેલાવવા બદલ પેપરાજી પેજને આડે હાથ લીધું હતું અને આ સમાચારોને તદ્દન બકવાસ ગણાવ્યા હતા.

આ સમગ્ર વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા અર્જુન બિજલાનીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની અને મૌની વચ્ચે મિત્રતા સિવાય બીજું કંઈ નથી. એક સત્તાવાર નિવેદનમાં અર્જુને જણાવ્યું હતું કે હું અને મૌની માત્ર ખૂબ જ સારા મિત્રો છીએ. માત્ર વ્યુઝ મેળવવા અને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવવા માટે અમારી વર્ષો જૂની પવિત્ર મિત્રતાને રોમેન્ટિક એન્ગલ આપવાનો પ્રયાસ ન કરો.

વિવાહિત અભિનેતા અર્જુન બિજલાનીએ વધુમાં ઉમેર્યું કે મૌની અત્યારે પોતાના જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એક સાચા મિત્ર તરીકે તે માત્ર આ મુશ્કેલ સમયમાં મૌનીને સાથ આપી રહ્યો છે અને તેની પડખે ઊભો છે. આ સહાનુભૂતિ અને મિત્રતાને ખોટો રંગ આપવો તદ્દન ખોટું છે.

મૌની રોય અને અર્જુન બિજલાનીની જોડી ટેલિવિઝન જગતની સૌથી લોકપ્રિય જોડીઓમાંથી એક છે. ટીવી શો 'નાગિન'ની પ્રથમ સીઝનમાં બંનેની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. શૂટિંગના સમયથી જ બંને વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા છે, જે આજે પણ અકબંધ છે. અર્જુને સ્પષ્ટ કરી દીધું છે કે સોશિયલ મીડિયાની આવી અફવાઓથી તેમની મિત્રતા પર કોઈ અસર નહીં પડે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application