BREAKING NEWS

જસદણમાં સામાન્ય બાબતે ઝઘડામાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર હુમલો

  • October 15, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ જિલ્લાના જસદણ-આટકોટ બાયપાસ રોડ પર બાઈકની બેટરી બદલવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ સમાધાન માટે એકઠા થયેલા બે જૂથ વચ્ચે ફરી ડખો થતા શસ્ત્રો ખેંચાયા હતા અને બંને પક્ષે સશસ્ત્ર મારામારી અને ધીંગાણું થતાં બે વ્યક્તિઓ હુમલામાં ઘવાતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતાં.જે અંગે પોલીસે બંને જૂથના નવ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જસદણની આનંદધામ સોસાયટીમાં રહેતાં હિતેષભાઈ હરિશંકરભાઈ તેરૈયા (ઉ.વ ૫૬) એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે કિશન રવીયા, મંથન રવીયા, રાજ રવીયા રહે. ત્રણેય જસદણ વાળાના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ વેપાર ધંધો કરે છે. તેઓ બીમાર હોય જસદણ કટેશીયા હોસ્પિટલે તબિયત દેખાડવા ગયા હતા ત્યારે તેમના સૌથી નાના ભાઈ સંદીપનો ફોન આવેલ કે, આપણી જ્ઞાતિનો કિશન રવૈયા અને તમારા દીકરા કશ્યપને ફોનમાં બોલાચાલી થયેલ છે.


જેથી કશ્યપને ફોન કરીને પૂછતા તેણે જણાવેલ કે, આ કિશન રવૈયાની જસદણ વિછીંયા ચોકડી પર દુકાન આવેલ છે ત્યાંથી મેં મારા બાઈકની બેટરી આજથી ૨૫ પચ્ચીચેક દિવસ ૫હેલા ખરીદેલ હતી, ત્યારે આ બેટરી બગડી જાય તો બદલાવી દેવાની શરત રાખેલ હતી,તે બેટરી બે-ત્રણ દિવસમાં જ બગડી ગયેલ જેથી કિશનને ફોન કરી બેટરી બદલાવી દેવા જણાવેલ તો તે ગલ્લા તલ્લા કરવા લાગી બદલાવી આપેલ નહીં.


જેથી કિશનને બેટરી બદલાવી આપવા બાબતે ફોન કરતા તે ઉશ્કેરાઇ ગયેલ અને ગાળાગાળી કરવા લાગેલ જેથી ફરીયાદીએ કશ્યપને ઝઘડો ન કરવા સમજાવેલ બાદ તેઓએ જ્ઞાતિના ગ્રુપમાંથી કિશન રવૈયાનો મોબાઈલ નંબર શોધી તેને ફોન કરેલ અને ઝઘડા બાબતે પૂછતા તેને જણાવેલ કે, કાકા તમે કોઈ ચિંતા ન કરો અમારી વચ્ચે સમાધાન થઈ ગયેલ છે.


ત્યારબાદ તેઓ ઘરે આવેલ ત્યારે ત્યાં કશ્યપ અને તેના સાળા ધવલ હાજર હતા. થોડીવાર બાદ કશ્યપે કહેલ કે, કોઈ મંથન રવૈયા નામનો વ્યક્તિ મને ફોન કરીને ગાળો બોલે છે અને ઝધડો કરવા માટે જસદણ બાયપાસ રોડ ઉપર આવવાનું કહે છે. જેથી કશ્યપને ત્યાં જતો રોકેલ ત્યાં મંથન રવૈયાનો બે થી ત્રણ વખત ફોન આવેલ હોય જેથી તેઓ તેમના ભાઈઓ સાથે રાતના સમયે આટકોટ રોડ ઉપર રઘુવીર ગેસ્ટ હાઉસની સામે ગયેલ અને ત્યાં બે ભાઈઓ ત્યાં આવતાં ધવલભાઈએ કહેલ કે, આ બંને મંથન રવૈયા અને રાજ રવૈયા છે, જે કિશનના ઓળખીતા છે.


તે દરમિયાન મંથન અને રાજે નજીક આવી ગાડીનો દરવાજો ખોલી તેમના ભાઈને નીચે ઉતારી ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને કોઈએ પોતાની પાસે રહેલ છરીનો એક ઘા ઝીંકી દીધો હતો. જે બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા. ફરીયાદીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા હતાં.


જ્યારે સામાપક્ષે જસદણમાં રહેતાં રાજ મનોજભાઈ રવીયા (ઉ.વ.૨૩) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કશ્યપ તેરૈયા, હિતેષ તેરૈયા (રહે. બંને જસદણ), હિતેષ ભરાડ, મિલન ભરાડ, ચિરાગ ભરાડ (રહે. ચારેય, રણપર, બાબરા) નું નામ આપી જણાવ્યું હતું કે, ગઈ તા. ૧૩ ના રાત્રીના તે જસદણ-આટકોટ રોડ ઉપર આવેલ રઘુવીર ગેસ્ટ હાઉસની નીચે બેસેલ હતો ત્યારે મોટા ભાઇ મંથનનો ફોન આવેલ કે, આપણા મોટા બાપુના દિકરા કિશનને આપણી નાતના કશ્યપ તેરૈયા સાથે બેટરી બદલાવવાની બાબતે ફોનમા બોલાચાલી અને સામસામી ગાળાગાળી થયેલ છે.


જેથી કશ્યપને ફોન કરી સમજાવેલ કે આપણે એક જ નાતના છીએ અને ઝગડો સારો ન લાગે જેથી ચા-પાણી પી સમાધાન કરવા કહેલ તો તે માનેલ નહિ અને ફોન ઉપર ગાળો દેવા લાગેલ અને કહેલ કે, તુ ક્યા છો જેથી તેને કહેલ કે, હુ રઘુવીર ગેસ્ટ હાઉસ નીચે છુ કહેતાં એક કાર ઘસી આવેલ અને તેમાંથી આરોપીઓ ઉતરી કહેવા લાગેલ કે, દિકરા આપડે ઝગડો નથી કરવો એવી વાત કરેલ બાદ બોલાચાલી તથા ગાળાગાળી થયેલ હતી. પાંચ મીનીટ બાદ એક બીજી કાર પાછળથી આવેલ અને તે ગાડીમાથી ઉતરેલ આરોપીઓએ કારમાંથી લાકડાનો ધોકો કાઢી મંથનને પીઠના ભાગે મારી દિધેલ અને કશ્યપે તિક્ષ્ણ હથીયારથી યુવાન પર હુમલો કરી દિધો હતો.


યુવાનને ગંભીર ઈજા પહોંચતા તે નીચે પડી ગયેલ છતાં આરોપીઓ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં. તેમજ કશ્યપે તેના હાથમા રહેલ તીક્ષ્ણ હથીયાર ભરેલ પ્લાસ્ટિકની થેલી મારી દેતાં તેમાં રહેલા કોઇ પદાર્થ લાગી જતા માથામાથી લોહિ નીકળવા લાગતાં યુવાન બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેને બેભાન હાલતમાં જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


આ અંગેની બંને પક્ષની સામસામી ફરીયાદ નોધી જસદણ પોલીસે નવ શખ્સો વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ એન પી ગોહિલ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application