સુરેન્દ્રનગરના ચુડાના જોબાળા ગામમાં પાંચ દિવસ પહેલા માથા ફરેલા શખ્સે યુવતીને જાહેરમાં છરીના 36 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. હત્યાની આ ઘટનાથી આખા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ બા આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે ઝડપી પાડ્યો છે. તેણ પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, આ યુવતીને મારા આર્મી જવાન પુત્ર સાથે અફેર હતું અને રોજ ઘરે આવી ઝઘડા કરતી હતી. આથી મને ગુસ્સો આવતા મેં તેને પતાવી દીધી હતી.
ચાર વર્ષ પહેલા યુવતીને આર્મી જવાન સાથે આંખ મળી ગઈ હતી
મળતી માહિતી મુજબ જોબાળા ગામે રહેતા હેતલ જુવાલીયાને 4 વર્ષ પહેલા ગામના અને હાલ આર્મીમાં ફરજ બજાવતા યુવાન સંજય બચુભાઈ લીંબડીયા સાથે આંખ મળી ગઈ હતી. સંજય અને યુવતી હેતલ બન્નેએ મૈત્રી કરાર કર્યા હતા. ત્રણ વર્ષ પહેલા યુવતીએ એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. જોકે, આ બન્નેના લગ્ન યુવકના પરિવારજનોને મંજૂર ન હોવાથી આજથી બે વર્ષ પહેલા યુવક સંજયે એક યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.
સંજય પરિણીત હોવા છતાં હેતલ સાથે પ્રેમસંબંધ ચાલુ રાખ્યો હતો
સંજય પરિણીત હોવા છતાં ગામની જ યુવતી હેતલ સાથે તેણે પ્રેમસંબંધ ચાલુ રાખ્યો હતો. આ વાતની જાણ સંજયની પત્નીને થતાં તેણે વિરોધ કર્યો હતો. જેથી બન્ને વચ્ચે ઝગડો પણ થયો હતો. જે બાદ સંજય અને તેની પત્નીએ છૂટાછેડા લીધા હતા.
મારા દીકરાને મુકી દે નહીંતર જાનથી મારી નાંખીશ
બીજી તરફ સંજયના છૂટાછેડા બાદ હેતલ સંજયના ઘરે રહેવા જવાની જીદ કરતી હતી. યુવતી હેતલને બીજે કયાંય લગ્ન કરવા ન હતા અને સંજયે તેને સાથે રાખવાની વાત કરી હતી, પરંતુ તે આર્મીમાં ફરજ બજાવતો હોઈ નોકરી પર જતો રહ્યો હતો. સંજયના પરિવારજનોને આ સબંધ મંજૂર ન હોઈ તેના પિતા બચુ વશરામભાઈ લીંબડીયા અવારનવાર હેતલના ઘરે આવતા હતા અને મારા દીકરાને મુકી દે નહીંતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતા હતા.
ગામની બજારમાં જ હેતલને રહેંસી નાખી
યુવકના પરિવારજનોએ હેતલને ન સ્વીકારતા હેતલ તેની માતા સાથે જ રહેતી હતી અને રાણપુરની એક કંપનીમાં નોકરી કરતી હતી. તા. 15મીના રોજ સવારે તે નીત્યક્રમ મુજબ ટીફીન લઈને રાણપુર નોકરીએ જવા નીકળી હતી. ત્યારે ગામની બજારમાં જ યુવકના પિતાએ તેની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખી હતી. આ બનાવને પગલે લીંબડી ડીવાયએસપી વી.એમ.રબારી, ચુડા ઈન્ચાર્જ પીઆઈ એન.એ.ડાભી સહિતનો પોલીસ કાફલો જોબાળા દોડી ગયો હતો અને લાશને પીએમ માટે મોકલી હત્યાની ફરિયાદ નોંધી અને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. બાદમાં આરોપી ઝડપાઈ જતા તેને કોર્ટમાં રજુ કરી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.