રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડમાં આજે લાભપાંચમે સવારે ૯:૦૦ના ટકોરે હરાજીમાં મુહૂર્તના સોદા થયા હતા જેમાં મગફળીનો ભાવ રૂ.૧૬૧૧ અને મગનો ભાવ રૂ.૧૯૭૧ ઉપજ્યો હતો. નવી જણસીઓ ભરેલા ખેડૂતોના કુલ ૧૧૦૦ વાહનોને યાર્ડમાં એન્ટ્રી અપાઇ હતી.
ચેરમેન જયેશભાઇ બોઘરાની ઉપસ્થિતિમાં મુહૂર્તના સોદા થયા બાદ વિધિવત હરાજીનો પ્રારંભ કરાયો હતો, દિવાળીના તહેવારોની રજાઓ પૂર્ણ થતા આજે લાભપાંચમે યાર્ડ નવી જણસીઓની આવકોથી છલકાયું હતું, જો કે નબળું વર્ષ હોય અગાઉના વર્ષોની તુલનાએ ઘણી ઓછી આવક જોવા મળી હતી.આજે મગફળીમાં અંદાજે ૬૦ હજાર મણ અને સોયાબીનમાં ૩૦ હજાર મણની આવક નોંધાઇ હતી જે તમામ જણસીમાં સૌથી વધુ રહી હતી તેમ ઇન્સ્પેક્ટર કેતનભાઇ ઝાલાવડિયાએ જણાવ્યું હતું.
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું કે, લાભપાંચમના દિવસે મગફળી અને મગ એમ બે જણસીઓથી હરાજીની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 20 કિલો મગફળીનો ભાવ 1610 અને મગનો ભાવ 1910 બોલાયો છે. આ ઉપરાંત જીરુંના 5300થી 5600 સુધીના ભાવ નક્કી કરાયા છે, જ્યારે અન્ય જણસીઓની હરાજી ક્રમશઃ શરૂ કરવામાં આવશે.