બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ પરિવારો પર હુમલાની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિરોજપુર જિલ્લાના દમ્રિતાલા ગામમાં શનિવારે અજાણ્યા હુમલાખોરોએ પાંચ હિન્દુ ઘરોને આગ ચાંપી દીધી હતી. સૌથી ભયાનક બાબત એ હતી કે હુમલાખોરોએ ઘરના દરવાજા બહારથી બંધ કરી દીધા હતા જેથી અંદર રહેલા લોકો બહાર ન નીકળી શકે.
વાડ કાપીને ૮ લોકોએ જીવ બચાવ્યા
હુમલાખોરોએ અત્યંત ક્રૂર આયોજન સાથે આ કૃત્ય આચર્યું હતું. જ્યારે પરિવારો અંદર હતા ત્યારે દરવાજા બહારથી તાળું મારી દેવામાં આવ્યું હતું. હુમલાખોરોએ એક રૂમમાં કપડાં ભરીને આગ લગાવી, જે ઝડપથી આખા ઘરમાં ફેલાઈ ગઈ. ઘરમાં ફસાયેલા ૮ સભ્યોએ હિંમત દાખવી વાંસ અને ટીનની વાડ કાપીને બહાર નીકળવામાં સફળતા મેળવી હતી. લોકો બચી ગયા પરંતુ તેમના ઘર, કિંમતી સામાન અને પાલતુ પશુઓ બળીને રાખ થઈ ગયા છે.
૫ શંકાસ્પદોની ધરપકડ
સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મામલે અત્યાર સુધીમાં ૫ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. જોકે હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં સ્થાનિક લોકો જાતે જ આગ ઓલવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
૬ મહિનામાં ૭૧ હુમલા
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. 'હ્યુમન રાઇટ્સ કોંગ્રેસ ફોર બાંગ્લાદેશ માઇનોરિટીઝ' (HRCBM) ના અહેવાલ મુજબ ૬ મહિનામાં ૭૧ હુમલા નોંધાયા છે.