રાજકોટ શહેરમાં રખડતા પશુ અને શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે, પરંતુ હવે શ્વાનને તગેડવા જેવી નજીવી બાબતે ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને ઈંટોના ભઠ્ઠાનો ધંધો કરતો વયોવૃદ્ધ પર પિતા-પુત્રએ ઈંટો ફટકારી માથામાં ઇજા પહોંચાડતા બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના શાસ્ત્રી નગર શેરી નં. ૪ માં રહેતા મુકેશભાઈ નરશીભાઈ આશીયાણી ઉં.વ.૫૯ વાળા તેમના પુત્રવધૂ પૂજાબેનને મોટરસાયકલ પર બેસાડીને રૈયાધાર બેસીયર પાર્ક પાસે આવેલા ઈંટોના ભટ્ટે મુકવા ગયા હતા.
ત્યારે પુત્રવધૂ જ્યારે ભઠ્ઠા પાસે ઉતરીને જઈ રહ્યા હતા, ત્યારે અચાનક આવી ચડેલા શ્વાન તેમની પાછળ દોટ મૂકતા , પુત્રવધુને બચાવવા માટે મૂકેશભાઈએ શ્વાનને ત્યાંથી ભગાડયા હતા. આ વેળાએ ત્યાં હાજર વિશ્વરાજસિંહ જાડેજા નામના શખ્સે આવીને શ્વાનને કેમ તગડયા, તેમ કહી
ઝઘડો શરૂ કરતા વિશ્વરાજસિંહના પિતા લખધીરસિંહ જાડેજા પણ ત્યાં દોડી આવ્યા હતા .
અને બન્ને પિતા પુત્ર ગાળાગાળી કરવા લાગતા મુકેશભાઈએ ગાળોબોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા લખધીરસિંહે ત્યાં પડેલ ઈંટ ઉપાડી મુકેશભાઈના માથામાં અને પાછળના ભાગે ઝીંકી દીધો હતો. ત્યારબાદ પિતા-પુત્ર બંનેએ ભેગા મળીને વૃદ્ધને ઢીકાપાટુનો મૂઢ માર માર માર્યો હતો.
જેથી અન્ય લોકો પણ એઠઠા થઈ જતા બાજુની વાડીના જાગાભાઈ વચ્ચે પડી મૂકેશભાઈને બચાવ્યા હતા. હુમલો કરનાર પિતા-પુત્રએ જતી વખતે હવે પછી શ્વાનને તગડયા છે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
હુમલામાં ઘવાયેલા મુકેશભાઈને સારવાર અર્થે ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ પોલીસે મુકેશભાઈની ફરિયાદ પરથી આરોપી લખધીરસિંહ જાડેજા અને વિશ્વરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.