BREAKING NEWS

ભાણવડ નજીક આપની કિસાન મહાપંચાયતમાં ભાજપ પર પ્રહારો

  • November 10, 2025 12:24 PM 

હાલારના રાજકારણમાં આવનારા સમયમાં બદલાવ દેખાય રહ્યો છે, ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી કાઠુ કાઢતી હોય તેવું લાગે છે, કારણ કે ગઇકાલે ભાણવડ-ખંભાળીયા વચ્ચે આપ ની યોજાયેલી ખેડૂત મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરી અને આપના કાર્યકરો જોવા મળ્યા હતા. આ સભામાં ધારાસભ્યો હેમત ખવા, ગોપાલ ઇટાલીયા તથા આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ભાજપ સરકારને ઘેરીને ખેડૂતોની સ્થિતિ સંબંધે આકરા ટીકા પ્રહાર કર્યા હતા. તેમજ પંજાબમાં ખેડૂતોને અપાયેલા વળતર અને ગુજરાતમાં અપાયેલા વળતરને સરખાવીને આકરી આલોચના કરી હતી.


આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી ખેડૂતોને મોઢે આવેલો કોડીયો છીનવાઈ જાય છે. ગત વર્ષે પણ જ્યારે ખેડૂતોનો પાક બરબાદ થયો ત્યારે સરકારે ખૂબ મોડું મોડું પેકેજ જાહેર કર્યું હતું. સરકારે આ વખતે પણ પેકેજ જાહેર કર્યું પરંતુ ગઈ વખત પણ એક હેકટરે ૨૨,૦૦૦ આપ્યા હતા અને બે હેક્ટર દીઠ ૪૪૦૦૦ આપ્યા હતા તો એ પ્રમાણે આ વખતે પણ ૪૪,૦૦૦ જ આપ્યા છે, તો આ ઐતિહાસિક પેકેજ કઈ રીતે કહી શકાય. અમારું ગુજરાત સરકારને એટલું જ કહેવું છે કે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે જેટલું વળતર પંજાબના ખેડૂતોને આપ્યું તમારે એનો જ એકવાર અભ્યાસ કરવાની જરૂર હતી. 


આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, વિસાવદરના ખેડૂતોએ પેટા ચૂંટણીમાં ક્રાંતિ કરી બતાવી, ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં એક નવો આત્મવિશ્વાસ પેદા થયો છે. વર્ષોથી ભાજપે એવું તંત્ર બનાવ્યું હતું કે કોઈ માણસને કંઈ બોલવા દેવામાં આવતા ન હતા. સરકારને એક પણ સવાલ કરો અથવા તો સરકારની ટીકા કરો તો ભાજપના ગુંડાઓ અથવા તો પોલીસ આવીને તમને દબાવી દેવાની કોશિશ કરે છે. આ જ રીતે ભાજપે ૩૦ વર્ષ સુધી દબાણ અને ડંડાની સરકાર ચલાવી. પરંતુ જ્યારથી વિસાવદરના ખેડૂતોએ પેટા ચૂંટણીમાં સાવરણો માર્યો છે, ત્યારથી સમગ્ર ગુજરાતના લોકોમાં નવી હિંમત આવી છે. હવે સમગ્ર ગુજરાતમાં લોકો જાગ્યા છે અને મજબૂતીથી નીડર બનીને પોતાનો અવાજ ઉઠાવવા લાગ્યા છે. અને આ જોઈને ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાયું છે. 

​​​​​​​


આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તમે સૌ તમારા કામ મૂકીને આજે અહીંયા આ સભામાં પધાર્યા છો એના માટે હું તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું. નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બનવાના હતા ત્યારે કહેતા હતા કે એવી ફસલ બીમા યોજના લાવવી છે કે ખેડૂતે મગફળી ઉતારી લીધી હોય પાથરા પડી ગયા હોય થ્રેસરમાંથી મગફળી કાઢવાની બાકી હોય અને કમોસમી વરસાદ થાય તો પણ પાક વીમો મળશે એવું કહ્યું હતું. શું તમને કોઈને પાક વીમો મળ્યો છે? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માત્ર ગુજરાતમાં જ બંધ છે બાકી અન્ય રાજ્યોમાં ચાલુ છે. બીજું કહ્યું હતું કે મુખ્યમંત્રી રાહત નીતિ ફંડ લાવવામાં આવશે. એવું પણ કહ્યું હતું કે ૨૦૨૨માં ખેડૂતોની આવક ડબલ કરીશું. શું કોઈ ખેડૂતોની આવક ડબલ થઈ છે? પરંતુ જાવક ડબલ કરી નાખી છે. ભાજપે મારા ખેડૂતોને, મજૂરોને, ભાગીયાને રોડ ઉપર લાવી દીધા છે એટલા માટે મારે ભાજપનો વિરોધ કરવો પડે છે.


આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની દેવા માફી સહિત ૧૦ અલગ અલગ માંગોને મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન મહામંત્રી સામત ગઢવી, આમ આદમી પાર્ટીના નેતા પરેશ ગોસ્વામી, પ્રદેશ મંત્રી પ્રકાશ દોંગા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, દ્વારકા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર, જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ આહીર, જામનગર શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા ખેડૂત મહાપંચાયતમાં ઉપસ્થિત રહ્યા હતા.


આ ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય,  પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના મહત્વપૂર્ણ નિયુક્તિઓ કરવામાં આવી છે. નગરપાલિકા પ્રભારી અને સહ પ્રભારી, જિલ્લા પંચાયત સીટ પ્રભારી અને સહ પ્રભારી, તાલુકા પંચાયત સીટ પ્રભારી અને સહ પ્રભારી અને તાલુકા મહામંત્રી, તાલુકા ઉપપ્રમુખ અને તાલુકા મંત્રીની નિયુક્તિ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય,  પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના મહત્વપૂર્ણ નિયુક્તિઓ કરવામાં આવી છે. નગરપાલિકા પ્રભારી અને સહ પ્રભારી, જિલ્લા પંચાયત સીટ પ્રભારી અને સહ પ્રભારી, તાલુકા પંચાયત સીટ પ્રભારી અને સહ પ્રભારી અને તાલુકા મહામંત્રી, તાલુકા ઉપપ્રમુખ અને તાલુકા મંત્રીની નિયુક્તિ કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application