મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે અસમંજસની સ્થિતિ દેખાઈ રહી છે. ગઇકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે અને હવે 5 દિવસ સુધી અમેરિકા ઈરાન પર હુમલા નહીં કરે. જોકે જાહેરાત બાદ પણ ઈરાનમાં હુમલા થઈ રહ્યા છે. ઈરાનના ઇસ્ફહાન અને ખુર્રમ શહેરમાંની બે એનર્જી સાઈટ પર હુમલા થયા છે તથા તેહરાન પર મોટા પાયે હવાઈ હુમલા થયા છે. અને સામાપક્ષે ઈરાને ઇઝરાયેલ અને અમેરિકાના ઠેકાણાઓ પર મિસાઈલોની ૭૮મી ખેપ છોડી હતી. ઈરાને આજે વહેલી સવારે ઈઝરાયલ પર મિસાઈલોથી હુમલો કર્યો હતો. યરૂશલમની ઉપર જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો. ઇઝરાયેલ તથા કુવૈત અને બહેરીનમાં મિસાઈલ હુમલાની ચેતવણી આપી હતી.
ટ્રમ્પે દાવો કર્યો છે કે અજ્ઞાત ઈરાની અધિકારીઓ સાથે તેમની સારી વાતચીત થઈ છે અને ઈરાન ડીલ કરવા માંગે છે. બીજી તરફ ઈરાનનો દાવો છે કે ટ્રમ્પ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે અને તેલ-ગેસ માર્કેટમાં ફાયદો મેળવવા ખોટા દાવા કરી રહ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ જ વાતચીત થઈ નથી. ઈઝરાય લના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે તેમણે ટ્રમ્પ સાથે વાત કરી છે. ટ્રમ્પનું માનવું છે કે મળેલી સૈન્ય સફળતાને એવી ડીલમાં બદલી શકાય છે જે ઈઝરાયેલના હિતોનું રક્ષણ કરે. જોકે તેને સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયેલના હિતોની રક્ષા માટે ઈરાન અને લેબનોન પરના હુમલાઓ તો ચાલુ જ રહેશે.
ઈરાનના બે પાવર પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં ઈસ્ફહાનમાં કુદરતી ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થતો હતો, જ્યારે બીજામાં ખોરમશહર પાવર પ્લાન્ટ માટે ગેસ પાઇપલાઇનને નિશાન બનાવવામાં આવી હતી. સોમવારના હુમલાની જવાબદારી ઈઝરાયલ કે અમેરિકા બંનેમાંથી કોઈએ લીધી નથી, જોકે બંને દેશો હંમેશા તેમના હુમલાઓને સ્વીકારતા નથી. એ પણ સ્પષ્ટ થયું નથી કે શું આ પ્લાન્ટ ખાસ રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા કે પ્રદેશના અન્ય પ્લાન્ટ પરના હુમલામાં તેમને નુકસાન થયું હતું.
હુમલા પહેલા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના "આદરણીય" નેતા સાથે વાતચીત કરવાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની સમયમર્યાદા પણ પાંચ દિવસ લંબાવી હતી. જોકે, ઈરાને ટ્રમ્પના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો, ટ્રમ્પને "ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે" અને કહ્યું હતું કે કોઈ વાતચીત થઈ નથી. પોલિટિકોના રિપોર્ટ મુજબ, ટ્રમ્પ સરકાર ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ઘાલીબાફને સંભવિત પાર્ટનર અને ભવિષ્યના નેતા તરીકે જોઈ રહી છે.