વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરી જૂતું ફેંકવાનો પ્રયાસ થયો છે. જૂનાગઢના ગડુ ગામમાં ગત રાત્રે આપ દ્વારા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગોપાલ ઈટાલિયા પોતાનું ભાષણ કરી રહ્યા હતા. ત્યારે જ એક શખ્સ ઉભો થયો અને તેના પર જૂતું ફેંકે એ પહેલા આપના કાર્યકરોનું ધ્યાન ગયું હતું અને તે શખ્સને દબોચી લીધો હતો. બાદમા તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
રાજકીય ઈશારે જૂતું ફેંકાયું
આ મામલે ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે, રાજકીય ઇશારે જૂતું ફેંકાયું છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે તે શખ્સની પૂછપરછ શરૂ કરી છે, આ શખ્સ કોણ છે તેની ઓળખ હજી થઈ નથી અને સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી.
ગોપાલ ઈટાલિયાને કોઈ ઈજા પહોંચી નથી
ગોપાલ ઈટાલિયા તેમનું ભાષણ કરવા માટે સ્ટેજ પર પહોંચ્યા અને તેઓ ખેડૂતોને સંબોધિત કરી રહ્યાં હતા અને ભાષણ દરમિયાન એક શખ્સ તેમની તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને કાર્યકરોનું ધ્યાન જતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો, આ સમગ્ર ઘટનામાં ગોપાલ ઈટાલિયાને કોઈ ઈજા પહોંચી નથી. કોના કહેવાથી આ કરવામાં આવ્યું તેને લઈ પોલીસની પણ તપાસ ચાલી રહી છે.
માળીયાહાટીના ભાજપમાં ભડકો
ભાજપના પૂર્વ ઉપપ્રમુખ બચુ સિસોદિયા આપમાં જોડાયા અને અનેક કાર્યકર્તાઓ સાથે ભાજપમાંથી છેડો ફાડ્યો છે, જવાહર ચાવડા સાથે બેઠક બાદ રાજીનામું આપ્યું હતું અને માળિયા હાટીના ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર સામે આવ્યો છે, ખેડૂતો સાથે થતા અન્યાયનો વિરોધ નોંધાવી રાજીનામું આપ્યું છે, બચુભાઈના સમગ્ર પરિવારે ભાજપ સાથે છેડો ફાડ્યો અને નારાજ ભાજપ કાર્યકરોને આપમાં જોડાવા માટે અપીલ પણ કરી હતી.